ઝઘડિયા થી અંક્લેશ્વરને જોડતા અમરાવતી નદીના પુલની અત્યંત જર્જરિત હાલત
દઢાલ ગામ પાસે આવેલ અને ઝઘડિયા જીઆઈડીસી માટે હાર્દ સમા આ પુલની મરામત જરૂરી બની |
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા થી અંક્લેશ્વરને જોડતા અને ઝઘડિયા જીઆઈડીસીના હાર્દ સમા દઢાલ ગામ પાસેની અમરાવતી નદી ઉપર આવેલ પુલ અત્યંતર જર્જરિત હાલતમાં થઈ ગયો છે.સમયસર આ પુલનું સમારકામ હાથ ધરવામાં નહિ આવતું હોવાના કારણે મોટા ગાબડાં પડી ગયા છે તથા પુલની બંને તરફની રેલિંગ જર્જરિત થઇ નકામી થઈ રહી છે જેથી આ પુલનું તાત્કાલિક અસર થી સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
ઝઘડિયા થી અંક્લેશ્વરને જોડતા અને સરદાર પ્રતિમા હાઈવે પર આવેલા દઢાલ પાસેની અમરાવતી નદી પર આવેલ પુલની હાલત અત્યંત બિસ્માર બની જવા પામી છે.આ પુલ પરથી રોજના હજારો નાના મોટા માલ વાહક વાહનો તથા ઝઘડિયા જીઆઈડીસીમાં આવતા ૫૦ ટન થી વધુની ક્ષમતા વાળા વાહનો પસાર થાય છે.આ પુલ ઝઘડિયા જીઆઈડીસી માટે હાર્દ સમાન છે.દક્ષિણ માંથી આવતા તમામ વાહનો ઝઘડિયા જીઆઈડીસીમાં પહોંચવા માટે આ પુલનો ઉપયોગ કરે છે.હાલમાં આ પુલ એટલી હદે બિસ્માર થઈ ગયો છેકે બાઈક જેવા વાહનો ખુબ સાવચેતીથી ચાલવા પડે છે.પુલ પર ડામર કાર્પેટ જેવું કઈ દેખાતું નથી.મોટામોટા ખાડાઓ પડી ગયા છે અને પ્રથમ નજરે પુલ હાડપિંજર જેવો લાગે છે.
આ પુલ પર ગાબડાં પડવાનું એક સામાન્ય કારણ છે કે વરસાદનું પાણીનો પુલ પર થી નિકાલ થતો નથી.સમયસર પુલ પર જામેલી ધૂળ પાણી નિકાલ પાઈપને જામ કરી દીધા છે જેથી પુલ નું પાણી નીકળતું નથી જેથી ખાડાઓ પડી ગયા છે.આટલી સામાન્ય વાત સરકારના ઇજનેરોને ધ્યાને આવતી નથી જેથી મોટા પાયે પુલ પર પાણી ભરાઈ રહે છે અને સતત વાહનોની અવર જ્વરના કારણે ઊંડા ખાડા પડી રહ્યા છે.અંકલેશ્વર થી ઝઘડિયા અને જીઆઈડીસી તથા કેટલાય ગામોને જોડતા આ પુલ બાબતે તંત્રનું બેધ્યાન રહ્યું છે.યોગ્ય પાણીનો નિકાલ થતો નથી જેના કારણે પુલના મુખ્ય બંધારણને પણ અસર પહોંચી છે.
સરદાર પ્રતિમાને જોડતા હાઈવેની કામગીરીમાં આ જર્જરિત પુલની બાજુમાં નવો પુલ બનાવની કામગીરી ત્રણ વર્ષથી ચાલી રહી છે અને હાલમાં તો બંધ જ છે.ત્રણ વર્ષ થી ચાલતી કામગીરી બાદ પણ ઇજારદાર આ પુલના પાયામાં જ માથા મારી રહ્યા છે.કામગીરીમાં કોઈ પ્રગતિ જણાતી નથી,ના કરે નારાયણ ને જુના પુલને વરસાદમાં કોઈ મોટું નુકસાન થયું અને પુલ પર થી વાહન વ્યહવાર બંધ કરવાની ફરજ પડશે ત્યારે તંત્ર અને જીઆઈડીસીના વહીવટકર્તાઓની હાલત માં મને કોઠી માંથી કાઢ તેવી થાય તો નવાઈ નહિ.જીલ્લા વહીવટી તંત્ર સત્વરે જુના પુલનું યોગ્ય સમારકામ હાથ ધારે અને નવા પુલની કામગીરીમાં થોડી ગતિ ગતિશીલ સરકાર દ્વારા લાવવામાં આવે તેમ બંને તાલુકાની જનતા ઈચ્છી રહી છે.*