Western Times News

Gujarati News

જેતપુરની ૩૦ લાખની લૂંટના ૪ આરોપીની ધરપકડ કરાઈ

લૂંટની ઘટના બાદ રૂરલ એસપી બલરામ મીણા સહિતનો કાફલો ઘટના સ્થળે જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

રાજકોટ, જેતપુરમાં ત્રણ દિવસ પૂર્વે સોની વેપારી ઉપર મરચુ છાંટી છરીની અણીએ સોનાના દાગીના અને રોકડ મળી ૩૦ લાખની મતાની લૂંટ કરનાર રાજકોટની ટોળકીને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી છે. લૂંટ કરનાર બે મુખ્ય સુત્રધાર તથા તેને મદદગારી કરનાર બે શખ્સોને દબોચી લેવાયા છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરેલા શખ્સોના નામ છે સાકીર મુસા ખેડારા, સમીર ઉર્ફે ભડાકો કુરેશી, તુફેલ ઉર્ફે બાબો ખેડારા અને અકબર જુસબ રીગડીયા.

આ લોકોએ જેતપુરમાં સોની વેપારીની આંખમાં મરચું છાંટી ૩૦ લાખની લૂંટ ચલાવી હતી. જેતપુરમાં ત્રણ દિવસ પૂર્વે સોની બજારમાંથી મતવા શેરીમાં સોનાના દાગીના અને રોકડ મળી ૩૦.૪૦ લાખની મતા ભરેલો થેલો લઇને જતા વેપારી ચીમનભાઇ કાળાભાઇ વેકરીયાને બાઇકમાં આવેલા બે શખ્સોએ આંતરી આંખમાં મરચાની ભુકી છાંટી છરીની અણીએ સોનાના દાગીના અને રોકડ ભરેલો થેલો લૂંટી નાસી છુટયા હતાં. ધોળા દિવસે લૂંટની ઘટના બનતા રૂરલ એસ. પી. બલરામ મીણા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

દરમિયાન આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા રૂરલ એસપી બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહીલ તથા પીએસઆઇ એચએમ રાણાની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા લૂંટ કરનાર મુખ્ય આરોપી શાકીર અને સમીર સહિત ૪ શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. રાજકોટ જીલ્લાના પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, આ લૂંટનો પ્લાન શાકીર અને સમીર ઉર્ફે ભડાકાએ ઘડયો હતો. અગાઉ એક વર્ષ શાકીરને કોઇ બંગાળી વેપારીએ આ લૂંટની ટીપ આપી હતી પણ જે તે વખતે તે અમલમાં મૂકી ન હતી. પરંતુ બાદમાં શાકીરે પૈસાદાર થવા માટે સમીરની મદદથી આ લૂંટનો પ્લાન અમલમાં મુકયો હતો.

લૂંટમાં વપરાયેલુ બાઇક અકબરની માલિકીનું છે. લૂંટ કર્યા પૂર્વે બાઇકમાં ચાર નંબર પૈકી બે નંબર ભુસી નંખાયા હતા. જેથી બાઇક નંબર ઉપરની ઓળખ ન થાય. લૂંટ કર્યા બાદ શાકીર અને સમીરે લૂંટાયેલ મુુદ્દામાલ ૧.૪૭ લાખ રોકડા અને સોનાના દાગીના શાકીરે તેના બનેવી અકબરના ઘરે રાખી દીધા હતા.

લુંટમાં વાપરવાનું બાઇક તુફેલ ખડેરા જેતપુર લઇ આવ્યો હતો અને બાદમાં તે રાજકોટ બસમાં આવી ગયો હતો. રાજકોટમાં અકબરના ઘરે શાકીર, સમીર, અકબર તથા તુફેલ લૂંટાયેલ મુદ્દામાલનો ભાગ પાડવા ભેગા થયા હતા ત્યારે જ રૂરલ ક્રાઇમ બ્રાંચે ચારેયને દબોચી લીધા હતા લૂંટાયેલ તમામ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.