ગોતામાં ગૃહકલેશમાં વહુએ સાસુની કરેલી હત્યા
અમદાવાદ: શહેરના સોલા પોલીસ સ્ટેશન હેઠળના ગોતા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ગૃહકલેશમાં વહુએ સાસુની કરપીણ હત્યા કરી તેની લાશને સળગાવવાનો પ્રયાસ કરવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે પોલીસે આરોપી વહુની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અગ્રવાલ પરિવારમાં યુવકના લગ્ન ૧૦ મહિના પહેલા થયા હતા
આ અંગેની વિગત એવી છે કે શહેરના સોલા પોલીસ સ્ટેશન હેઠળના ગોતા વિસ્તારમાં આવેલા રોયલ હોમ્સ નામના એપાર્ટમેન્ટના બી-૧૦૩ ફલેટમાં રહેતા અગ્રવાલ પરિવારમાં યુવકના લગ્ન ૧૦ મહિના પહેલા થયા હતા લગ્ન બાદ સાસુ-વહુ વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં ગઈકાલે રાત્રે યુવક મંદિરે દર્શન કરવા જતાં ઘરમાં સાસુ અને વહુ એકલા હતા
વહુએ સાસુના મૃતદેહને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો
ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં આવેશમાં આવી જઈ વહુએ લોખંડના સળીયા વડે સાસુ ઉપર હુમલો કરી માથાના ભાગે લોખંડના સળીયા ફટકારતા પપ વર્ષના સાસુનું સ્થળ પર જ મોત નીપજયું હતું ઘટનાથી ગભરાયેલી વહુએ સાસુના મૃતદેહને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો
પરંતુ આ દરમિયાનમાં જ પુત્ર ઘરે આવી જતાં તેણે બુમાબુમ કરી મુકી હતી અને આસપાસના લોકો એકત્ર થઈ જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આરોપી વહુની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.