Western Times News

Gujarati News

શેરીઓમાં કાર પાછળ દોડાવી સિંહોની પજવણી

Files Photo

અમરેલી: ગીરકાંઠાના ગામોની આસપાસ સિંહોના ટોળા સામે આવી જતા હોય છે ત્યારે સિંહની પજવણીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પણ અન્ય વીડિયોની જેમ સિંહોની પાછળ ગાડી દોડાવવાના દૃશ્યો કેદ થયા છે. કોઈ અજાણ્યા સ્થળે આવી ચઢેલા વનરાજોને જોવા પાછળ રાત્રિના સમયે આ ગાડી શેરીઓંમાં દોડાવી હોવાનું જાણવા મળ્યું છે. સિંહ સંરક્ષિત પ્રાણી હોવા છતાં અવારનવાર તેની સલામતી સાથે ચેડા થઈ રહ્યા છે.

આ વીડિયો કેટલો જૂનો છે અને ક્યાનો છે તેની પુષ્ટી નથી થઈ રહી
જોકે, આ વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો છે. આ વીડિયો કેટલો જૂનો છે અને ક્યાનો છે તેની પુષ્ટી નથી થઈ રહી પરંતુ વોટ્‌સએપ ગ્રુપમાં શેર થયો હોવાનું અનુમાન છે. દરમિયાન વીડિયોની વાત કરીએ તો વીડિયોમાં કારમાં બેસેલા કેટલા લોકો ગામડાની શેરીમાં આંટાફેરા મારતા સિંહોની પાછળ ગાડી દોડાવી રહ્યા છે અને તેનું શૂટિંગ પણ કર્યુ છે. અંતે સિંહ એક જગ્યાએથી ખેતરમાં જવામાં સફળ રહ્યા ત્યા સુધી તેની પાછળ કાર દોડાવવામાં આવી છે.

તેવી રીતે કાર ચલાવવી કાયદેસરનું ગુનાહિતકૃત્ય છે ત્યારે આ મામલે વનવિભાગ કાર્યવાહી કરે તે અનિવાર્ય છે.
સિંહોની પજવણીનું આ વરવું ઉદાહણર છે. ગીરકાંઠાના ગામડાઓમાં સિંહોનું આવનજાવન શરૂ હોય છે જોકે, સિંહને જોઈને તેની સાથે સેલ્ફી લેવી કે તેની પાછળ આ વીડિયોમાં જોવા મળે છે તેવી રીતે કાર ચલાવવી કાયદેસરનું ગુનાહિતકૃત્ય છે ત્યારે આ મામલે વનવિભાગ કાર્યવાહી કરે તે અનિવાર્ય છે.

તાજતેરમા જ એક ગેરકાયદેસર લાયન શોનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક સિંહનો શિકાર જોવા કેટલાક લોકો એકઠાં થયા હતા અને તેનો વીડિયો પણ શૂટ કર્યો હતો. આ સાથે જ સેલ્ફી લઈ રહ્યા હતા. આ વીડિયો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્‌વીટર પોસ્ટ કર્યો હતો અને વનવિભાગને કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. ત્યારે ટૂંક સમયમાં વધુ એક સિંહોની પજવણીનો વીડિયો વાયરલ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.