ચિંતા ચિતા….. સમાન-બે જ અક્ષરનો બનેલો એક શબ્દ પણ તે માનવીને આખો ને આખો ગળી જાય છે
ચિંતા ફક્ત બે જ અક્ષરનો બનેલો એક શબ્દ પણ તે માનવીને આખો ને આખો ગળી જાય છે. ચિંતાતુર માનવી હરહમેંશ દુઃખી જ રહેતો હોય છે તથા તે ચિંતાના વિચારોનાં વમળમાં અટવાયેલો જ રહે છે જ્યારે નચિંત માનવી સુખી રહે છે તથા હમેંશા હસતો રહે છે. દુનિયામાં વધારેમાં વધારે ખતરનાક બાબત એ જ છેઃ ‘ શું થશે…’ એની ચિંતા.
ચિંતા માનવીના મન સાથે સંકળાયેલી એક વ્યથા છે. માનવીનો જન્મ થતાં જ આ વ્યથા સ્વભાવમાં જેમ કે ગળથૂથીમાં એ ભળી ગઈ હોય છે અને આજીવન તંગ કરતી રહેતી હોય છે. આ જમાનામાં એવો એક પણ માનવી જોવા નહિ મળે જે આ ચિંતા નામની વ્યથાથી બાકાત હોય.
ચિંતા હમેંશા માણસની વિચાર શક્તિ અને ર્નિણય શક્તિ હરી લે છે. ચિંતાતુર માનવી ક્યારેય સાચો ર્નિણય લઈ શકતો નથી. ચિંતામાં ને ચિંતામાં માનવી કોઈક વખત ખોટું પગલું ભરી લેતા ઘણી વખત તેને પસ્તાવાનો વારો આવે છે.
ચિંતા સૌને થાય છે પરંતુ જુદી જુદી વ્યક્તિઓને ઓછા વધું અંશે કોરી ખાતી હોય છે. નાની નાની વાતથી મોટી મોટી વાતોમાં પણ ચિંતા રહેતી હોય છે. ‘હવે શું થશે’ તે વિચાર આવતાં જ માનવીને ચિંતા મનમાં સળવળે છે.
ચિંતા સાચા કે ખોટા ડર સાથે સંકળાયેલી હોય છે. મોટા ભાગની ચિંતા ડરમાંથી જન્મતી હોય છે તથા ડર ઘણી વાર માત્ર ધારણાઓમાંથી જન્મતો હોય છે. ખોટી ધારણાઓ કરીને મનમાં ચિંતાઓ ઉત્પન ન કરવી જોઇએ.
ચિંતાના વમળમાં ફસાતો જતો માનવી માનસિક હતાશામાં સરકતો જાય છે તથા તે માનવી સાવ દિગ્મૂઢ થઈ જાય છે જેથી તેને હર્ષ કે શોકની અનુભૂતિ થતી નથી. તેમાંથી બહાર નીકળવા એ મનોચિકિત્સકની બતાવવા જતાં પૈસા પાણીની માફક વેરવા તૈયાર થઈ જાય છે. આની માવજત લેવાથી માનવી થોડી રાહત અનુભવી શકે છે પણ આ રોગમાંથી બહાર નીકળવાનો માર્ગ એટલો સહેલો નથી. અલબત્ત દવાનાં ઉપચાર કરતાં માનવીનું પોતાનું મનોબળ મજબૂત રાખવું જરૂરી છે.
ચિંતાથી શારીરિક પર આડઅસર થાય છે. ચિંતા જે માટેની થતી હોય તેના પર જ વિચારો ન કરતાં બીજી પ્રવૃતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી ચિંતાની બાદબાકી થઈ જાય પરંતુ ચિંતાવાળા વિષય પર વિચાર કરવાથી ગુણાકાર થઈ જાય છે તથા ચિંતા દૂર કરવા પોતાનું મન હળવું કરવા પોતાની અંગત વ્યક્તિ જોડે ચર્ચા વિચારણા કરવી જોઈએ જેથી ચિંતાનો ભાર ઓછો થઈ જાય.
કહે શ્રેણુ આજ….
ન કર તું ફીકર કદી તુજ જીવનમાં, જે થવાનું છે તે તો, થયા વગર રહેવાનું નથી અગર કરીશ ફીકર કદી નાની મોટી ચીજોમાં, મળશે હતાશા હમેંશા તુજ મનમાં ને થાશે આડઅસર તુજ શરીર પર મળી જાશે વિવિધ ઉપાયો તુજને ચિંતામુક્ત થવા સારૂં, તુજ જીવનમાંથી કરી લે ધરમધ્યાન, ફરી લે પ્રકૃતિ નિહાળવાને, ને કર તું વાંચન ને લેખન ને બની જા પ્રવૃતિમય, ચિંતા ને કરવા દૂર તુજ જીવનમાંથી ચિંતા નામની વ્યથામાંથી બહાર નીકળવાના વિવિધ સચોટ ઉપાયો ઘણાં છે જેમ કે, ધરમધ્યાન કરવાથી, કુદરતી વાતાવરણમાં ફરવાથી મન હળવું કરી શકાય, કસરત કે યોગાસન અને મનન કરવાથી, હળવું સંગીત સાંભળવાથી પણ ચિંતામુક્ત થઈ શકાય છે. અથવા આનંદ પ્રમોદ મેળવવા કોઈક રમત-ગમત રમવાથી કે જોવાથી મન પ્રફુલ્લિત રહી શકે અથવા વાંચન, લેખન કરવાથી ચિંતા આપોઆપ દૂર થઈ જાય છે.