આયુષ્માનની પત્નીએ કરવા ચોથ પર જાતે મહેંદી મૂકી
મુંબઈ: કોરોના મહામારી વચ્ચે કરવા ચોથનું સેલિબ્રેશન કેવી રીતે થઈ રહ્યું છે તેની ઝલક આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે ફેન્સને બતાવી છે. તાહિરાએ સોશિયલ મીડિયા પર તેણે કરવા ચોથ માટે મૂકેલી મહેંદીની તસવીર શેર કરી છે. આ ડિઝાઈન જોઈને તાહિરા પોતે માને છે કે તે કોરોના સાથે મળતી આવે છે. મહેંદીવાળો હાથ બતાવતી તસવીર શેર કરતાં તાહિરાએ લખ્યું, “કોરોના કાળમાં કરવા ચોથ! સાચું કહું તો સ્નોફ્લેક્સ ? બનાવીને કામ ચલાવી લીધું (સમયના અભાવે આ પ્રકારની સેલ્ફ આર્ટ કરવી પડે છે)
પરંતુ કોઈ મને કહ્યું કે, મેં કેમ કોરોના વાયરસ ચિતર્યો છે!! હવે મારી કળાને દોષ આપો કે આ મૂરખ વાયરસના કારણે લોકોના માનસપટ પર તેના વિચારો છવાયેલા છે તેને. તમને સૌને કોરોના મુક્ત કરવા ચોથની શુભકામના. આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ સોશિયલ મીડિયા પર કપલ ગોલ્સ આપતા રહે છે. હાલમાં જ તેમણે પોતાની ૧૨મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. તાહિરાએ એનિવર્સરી પર એક સુંદર તસવીર શેર કરી હતી. જેમાં આયુષ્માને તેને ખભા પર ઊંચકેલી હતી.
આ તસવીર શેર કરતાં તાહિરાએ હળવી મજાક પણ કરી હતી. તાહિરાએ લખ્યું હતું, “હું જૂઠ્ઠું નહીં બોલું. તે આ જ રીતે મને ઉંચકે છે. બટાકાનો કોથળો ઉપાડતો હોય તેમ. પરંતુ આ પ્રેમ છે જે મને ગમે છે. કદાચ બાળકની જેમ ઊંચકીને તારા ખોળામાં આવવું (આપણી સુહાગરાતની નિષ્ફળ ક્ષણ) તેના કરતાં આ રીત સારી છે. આવા વધુ કૌશલ્ય અને રાઈડ્સ થતી રહે. હેપી એનિવર્સરી.
આ તરફ આયુષ્માન ખુરાનાએ આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ત્યારે તાહિરાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી આયુષ્માનનું શૂટિંગ નહીં પતે ત્યાં સુધી તે ઘરે નહીં આવે. “આયુષ્માને તેની ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. અમે નક્કી કર્યું છે કે, તેનું શૂટિંગ પૂરું ના થાય ત્યાં સુધી તે ઘરે નહીં આવે. આયુષ્માન લગભગ દોઢ મહિના સુધી ફિલ્મની ટીમ સાથે જ રહેશે. આ નિયમ મારા માટે પણ છે. મારા આગામી પ્રોજેક્ટના શૂટિંગની તારીખો હજી નક્કી નથી થઈ. પરંતુ હું શૂટ પર જઈશ ત્યારે જ્યાં સુધી શિડ્યુલ નહીં પૂરું થાય ત્યાં સુધી મારા બાળકોને નહીં મળું.”