જમ્મુ-કાશ્મીરઃ DDC ચૂંટણીની જાહેરાત
શ્રીનગર, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં જીલ્લા વિકાસ પરિષદ(DDC) ચૂંટણીનું એલાન કરી દેવામાં આવ્યું છે. આ ચૂંટણી આઠ તબક્કાઓમાં નવેમ્બરથી ડિસેમ્બરમાં પૂર્ણ થશે. પ્રદેશ ચૂંટણી અધિકારીએ આ અંગેની માહિતી એક પત્રકાર પરિષદમાં આપી હતી. તેમની જાહેરાત મુજબ DDC ચૂંટણીની ખાસ બાબત એ રહેશે કે આ ચૂંટણીમાં પહેલીવાર પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓ પણ મતદાન કરવા જઇ રહ્યા છે.
નોંધનીય બાબત છે કે ગત વર્ષે 5 ઓગસ્ટે આર્ટિકલ 370 હટાવ્યા પછી પ્રદેશમાં આ પહેલી સૌથી મોટી રાજકીય પ્રવૃત્તિ થવા જઇ રહી છે. ભારત સરકાર હવે 73માં બંધારણીય સુધારાની તમામ જોગવાઇઓ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં લાગૂ કરવા જઇ રહી છે જે વિતેલા 28 વર્ષથી લટકી રહી હતી.
પ્રદેશમાં જીલ્લા વિકાસ પરિષદની સ્થાપના માટે કેન્દ્રએ દરેક જીલ્લામાં 14 પદ ઉભા કર્યા છે. જે ચૂંટણી દ્વારા ભરવામાં આવશે. કેન્દ્રએ આશા વ્યક્ત કરી હતી કે પ્રદેશમાં નેતૃત્વનો એક નવો વર્ગ ઉભો થશે, જે ભારતના બંધારણમાં ભરોસો રાખે અને પ્રદેશ વિકાસની આશાઓ પૂરી કરે.
DDCને પ્રભાવી અને અસરકારક બનાવવા માટે તેના ચેરમેનને રાજ્ય મંત્રીનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો હતો. જોકે પ્રદેશના રાજકીય દળો આ નિર્ણય પર ભરોસો નથી કરી રહ્યા. તેઓનુ માનવુ હતું તે DDCને વધારે પાવર આપવાથી ચૂંટણી પછી ધારાસભ્યો નબળા પડશે. ચૂંટાયેલું પ્રતિનિધત્વ પણ નબળુ રહેશે.