Western Times News

Gujarati News

મસૂરી ખાતે પૂજ્ય મોરારી બાપુની 850મી રામકથામાં વાલ્મિકીય રામાયણ અને તુલસીજી કૃત રામચરિત માનસનું તુલનાત્મક દર્શન

હિમાલયની ગોદમાં આવેલા રમણીય પ્રાકૃતિક અને આધ્યાત્મિક ઉર્જા ધરાવતા ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ મસૂરીમાં ગિરી કંદરાઓમાં તજગાજરડી વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય શ્રી મોરારી બાપુની 850મી રામકથા ચાલી રહી છે.

કોરોના સંદર્ભે કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડ રાજ્ય સરકારના દિશા-નિર્દેશોનું પાલન કરતાં સીમિત સંખ્યામાં શ્રોતાઓને રામકથામાં સામેલ થવાની અનુમતિ છે. જોકે, જે શ્રોતાઓ પ્રત્યક્ષ રીતે કથાનો લાભ લઇ શક્યાં નથી તેઓ આસ્થા ચેનલ અને યુટ્યુબ ચેનલના માધ્યમથી રામકથાનો લ્હાવો લઇ રહ્યાં છે.

31 ઓક્ટોબરે શરૂ થયેલી કથાના પ્રારંભે પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે, આજની રાત અમૃતપૂર્ણિમા કહેવાય છે અને ભૂગોળ પણ કહે છે કે આજની રાતનો ચંદ્ર રસનો વરસાદ કરે છે.

આજે કૃષ્ણએ રાસની રાત પસંદ કરી હતી. તેમણે કથાનો વિષય માનસ વાલ્મિકીય રાખવાનો વિચાર કર્યો. વાલ્મિકી નહીં, પરંતુ વાલ્મિકીય. તેમણે કહ્યું હતું કે, અહીં બે મહાનગ્રંથો – વાલ્મિકીય રામાયણ અને તુલસીજી કૃત રામચરિત માનસનો તુલનાત્મક અભ્યાસ તો નહીં પણ તુલનાત્મક દર્શન કરીશું.

આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, વાલ્મિકી અથવા વાલ્મિક શબ્દ રામચરિત માનસમાં સાત વખત ઉચ્ચારિત થયો છે. વાલ્મિકીય રામાયણ અને તુલસીકૃત રામચરિત માનસનું તાત્વિક, સાત્વિક અને વાસ્તવિક દર્શન કરાવતા બાપુએ ઉમેર્યું હતું કે, વાલ્મિકીએ પણ સાત જ કાંડ લખ્યાં છે પણ ત્યાં લંકાકાંડ નહીં પણ યુદ્ધકાંડ નામ છે.

તુલનાત્મક દર્શન કરાવતા બાપુએ જણાવ્યું હતું કે, રામચરિત માનસમાં સંક્ષિપ્ત આખા રામાયણનો સાર અંતે છે. વાલ્મિકીયમાં એ પ્રથમ છે.

કથાના બીજા દિવસના પ્રારંભે પૂજ્ય બાપુએ તુલસીજીના વિવિધ વિસામો બબાતની જિજ્ઞાસાના જવાબ આપતાં જણાવ્યું હતું કે આ વિશ્રામ કદાચ તુલસીજીએ જ બનાવ્યાં, પરંતુ એ આપણા જેવાં પાઠકો બનાવ્યાં હશે.

મસૂરી ખાતે કથાના પાંચમા દિવસે સાત્વિક-તાત્વિક-વાસ્તવિક સંવાદ, સાધતા બાપુએ જણાવ્યું હતું કે, દરેક ગ્રંથને માહાત્મ્ય- મહિમા હોય છે. મૂળગ્રંથ કર્તાએ કદાચ માહત્મ્ય ન લખ્યું હોય પણ તેના શિષ્યા દ્વારા અધ્યયન, અવલોકન, અનુભવ બાદ દુનિયાને જણાવે છે કે આ ગ્રંથનો આટલો મહિમા છે.

રામચરિત માનસ, શ્રીમદ ભાગવત, ભગવદગીતા, દેવીપુરાણ, શિવપુરાણ દરેકના માહત્મ્ય છે. મારા માટે માહત્મ્યનો સીધો અર્થ ગ્રંથપરિચય, શ્રોતાઓ ભયથી, કામનાથી, પ્રલોભનથી કથા સાંભળતા હોય છે ત્યારે રૂચિ જાગે એ માટે માહત્મ્ય હોય છે.

કથાના છઠ્ઠા દિવસે તુલસીદાસે પોતાના અન્ય સાહિત્યમાં પણ વાલ્મિકીનો ઉલ્લેખ કર્યો છે એ જણાવતાં પૂજ્ય બાપુએ કહ્યું હતું કે, કવિતાવલીના પદોમાં કરૂણ, હ્રદયદ્વારક પ્રસંગ છે કે જ્યારે સીતાનો ત્યાગ થાય છે અને લક્ષ્મણ સીતાજીને વાલ્મિકીના આશ્રમમાં મૂકવા આવે છે

ત્યારે વાલ્મિકી સીતાજીને કહે છે કે તુ જનકપુરમાં પિતના ઘરે આવી છો એવું સમજજે. પુત્રી માટે માતા-પિતા પહેલું ઘરે છે અને પછી પતિનું ઘર છે.

મસૂરી પહાડી ઉપર વહેતી માનસગંગાના સાતમા દિવસે વાલ્મિકી આશ્રમ વિશે બાપુએ જણાવ્યું હતું કે, સાક્ષાત વેદ જેવો ગ્રંથ જ્યાં અવતર્યો હોય એ આશ્રમ ભૂમિની પોતાની પણ કોઇ વિશેષતા રહી હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.