મહિલા રિક્ષામાં ફોન ભૂલી જતાં ખંડણીના ફોન આવ્યા
સુરત: રિક્ષામાં પોતાનો ફોન ભૂલી જનારા શહેરના મહેસૂલ વિભાગની ૫૮ વર્ષીય મહિલા સરકારી અધિકારીને તેમનો ફોન મેળવનાર અજાણ્યા વ્યક્તિ દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આ વ્યક્તિએ ૬૦,૦૦૦ રૂપિયા આપો નહીંતર તમારા વાંધાજનક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી છે.
આરોપીએ તેમના વાંધાજનક ફોટા ડીલિટ કરી નાખવા માટે આ રકમની માગ કરી હતી, જે અંગે મહિલાએ શનિવારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ખંડણી અને ધમકી આપવાનો ગુનો નોંધ્યો હતો
જેણે રુપિયાની ખંડણી માગતા મહિલાના વાંધાજનક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. મહિલા ફોનને જાન્યુઆરી ૨૦૨૦માં એક રિક્ષામાં ભૂલી ગઈ હતી. મહિલા એક ઓટો રિક્ષામાં ડુમસ રોડ પરના એક શોપિંગ મોલમાં ગઈ હતી કે તેણે આ રિક્ષા કેબ સર્વિસ પ્રોવાઇડર પાસેથી ઓનલાઇન બુક કરાવી હતું. મહિલાએ પોલીસને કહ્યું કે ફોનમાં તેના ફોટા અને વીડિયો છે. જેને લઈને આરોપી ધમક આપી રહ્યો છે. પ્રાથમિક અનુમાન એવુ છે કે આરોપી આ મહિલા બાદ રિક્ષામાં સવાર થયો હશે અને તેને આ ફોન મળી આવ્યો હશે. પોલીસે એફઆઈઆરને આધારે ઓટો રિક્ષા ચાલકની ભૂમિકા અંગે પણ શંકા દાખવી છે.
પોલીસે શંકાસ્પદ વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતા અને આઇટી એક્ટની કલમો હેઠળ ખંડણી અને ગુનાહિત ધમકી માટે ગુનો નોંધ્યો હતો. સાઇબર ક્રાઇમના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે થોડા શંકાસ્પદ લોકોની ઓળખ કરી છે અને ગુના માટે જવાબદાર વ્યક્તિની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવશે.
૩૦ ઓક્ટોબરે અજાણ્યા શખ્સે મહિલાને ફોન કર્યો અને હિન્દીમાં વાત કરી. એક કોલનો જવાબ આપ્યા પછી મહિલાએ બીજા કોલ્સ લીધા ન હતા અને પોતાના પુત્રને તે વ્યક્તિ સાથે વાત કરવાનું કહ્યું હતું. દીકરાએ ફોન કરનારને પજવણી ન કરવા વિનંતી કરી. બાદમાં ફોન કરનારે મહિલાના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને મહિલાને તેના ફોટા વોટ્સએપ પર મોકલવા લાગ્યો હતો. ત્યારબાદ મહિલાએ પોતાના ફોન પરથી વોટ્સએપ ડિલીટ કરી દીધું હતું અને તેના પતિએ તેના નંબરથી પોતાના ફોન પર એપ શરૂ કરી. ત્યારબાદ આરોપીએ ફોટા ડીલિટ કરી નાખવા માટે ૬૦,૦૦૦ રૂપિયાની માગ કરી હતી.