Western Times News

Gujarati News

નાયબ મામલતદાર ૩.૪૬ લાખની લાંચ લેતાં ઝડપાયા

નવસારી: જિલ્લામાં સરકારી તંત્ર ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં એક પછી એક લાંચીયા અધિકારીઓ ટેબલ નીચેની કમાણી કરતા ઝડપાઈ રહ્યા છે. આજે વધુ એક સરકારી બાબુ એસીબીના હાથે લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. નાયબ મામલતદાર વતી રૂપિયા ૩.૪૬ લાખની લાંચ લેતો એજન્ટ રંગેહાથ ઝડપાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી એસીબીએ ફરિયાદના આધારે આજે છટકું ગોઠવ્યું હતું. ત્યારે એસીબીની જાળમાં નાયબ મામલતદારનો વચેટીયો રૂપિયા લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે.

એસીબી દ્વારા મળતી પ્રાથમિક માહિતી અનુસાર, નવસારીના નાયબ મામલતદાર નીલેશ પરમાર ૩.૪૬ લાખની લાંચ લેવાના મામલે સકંજામાં આવી ગયા છે. વિગતે ઘટનાની વાત કરીએ તો, નવસારી જિલ્લામાં આવેલી એક જમીનના એનએ ક્લિયરન્સ માટે નાયબ મામલતદાર નીલેશ પરમાર દ્વારા ફરિયાદી પાસેથી મોટી રકમની લાંચ માંગવામાં આવી હતી, જે અંતર્ગત ફરિયાદીને લાંચ આપવી ન હતી, જેથી તેણે જિલ્લા એસીબીનો સંપર્ક કરતા એસીબીએ લાંચીયા બાબુને ઝડપી પાડવા છટકું ગોઠવી દીધુ.

ફરિયાદી પાસેથી જ્યારે નાયબ મામલતદાર વતી તેમનો એજન્ટ દ્વારા રૂપિયા ૩.૪૬ લાખની રકમ સ્વીકારવામાં આવી તો તુરંત એસીબીએ તેને રંગેહાથ ઝડપી પાડી, ઓપરેશન સફળતાપૂર્વક પુરૂ કરી નાયબ મામલતદારને સકંજામાં લઈ લીધા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ નવસારી ગ્રામ્ય મામલતદાર કચેરીના મામલતદાર યશપાલ પ્રકાશદાન ગઢવી, નાયબ મામલતદાર સંજય ઈશ્વર દેસાઈ તેમજ સર્કલ ઓફિસર શૈલેષ રબારી અને ક્લાર્ક કપિલ રસિક જેઠવાએ ફરિયાદીની માટી ભરેલી ટ્રકને છોડાવવા માટે ૧,૧૦,૦૦૦ની લાંચ માંગતા ફરિયાદીએ નવસારી એસીબીનો સંપર્ક કર્યો હતો.

જેમાં નવસારી અને સુરત એસીબીની ટીમે ત્રણેય લાંચિયા અધિકારી તેમજ કલાર્કને લાંચની રકમ સાથે રંગેહાથે પકડી પડ્યા હતા. આ ઘટનામાં ફરિયાદી માટી ખનન અંગેની પરમીટ મેળવી છૂટક માટી વેચાણ કરવાનો ધંઘો કરતા હતા. ફરિયાદીના માટીના ટ્રકો રોયલ્ટી પાસ હોવા છતાં જમા કરવામાં આવ્યા હતા.

આ ટ્રકો છોડાવા માટે ફરીયાદી પાસેથી લાંચીયા અધિકારીઓએ વ્યવહારની લેવડદેવડ કરી લેવાનું જણાવી રૂ.૧,૧૦,૦૦૦ની લાંચ માંગી હતી. જે તે સમયે ફરિયાદીએ આરોપીને લાંચના ૨૦ હજાર ચૂકવ્યા હતા, અને બાકીની રકમ બાબતે ફરિયાદીએ નવસારી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જે બાદમાં તા. ૨૬-૦૫-૨૦૨૦ના રોજ એસીબી તરફથી લાંચનું છટકું ગોટવવામાં આવ્યું હતું. જેમાં ચારેય લોકો પકડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.