એક જ દિવસમાં નિકોલ, રામાલ અને સરદારનગરમાં ચીલઝડપની ફરીયાદો
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેર પોલીસ એક તરફ સુવિધાનાં હાઈટેક સાધન વસાવી રહી છે. ઉપરાંત ૨૪ કલાક પેટ્રોલિંગ કરવાનાં દાવા કરી રહી છે. પરંતુ શહેરભરમાં વધી રહેલા ગુનાઓનો ગ્રાફ કંઈ અલગ જ હાલત બયાન કરે છે. અને એક જ દિવસમાં શહેરનાં નિકોલ, રામોલ અને સરદારનગર વિસ્તારમાં ચીલઝડપની ફરીયાદો નોંધાતા ચકચાર મચી છે.
બાપુનગર ઈન્ડિયા કોલોની નજીક આવેલાં ગમેસ ફ્લેટમાં રહેતાં વેપારી શાંતિલાલ માલવીયા (૩૭) ઠક્કરનગર ખાતે કારખાનું ધરાવી વેપાર કરે છે. તે ગઈ ૨૫ તારીખે રાતનાં સાડા દસ વાગ્યે ઘરે જતાં ઠક્કરનગર બ્રીજ ચડતાં હતા. એ સમયે અચાનક જ ત્રણ ઈસમો બાઈક ઉપર આવ્યા હતા અને સાડા પાંચ તોલાનો ૧.૭૫ લાખની કિંમતનો દોરો તોડી ઈન્ડિયા કોલોની તરફ ભાગી ગયા હતા. શાંતિલાલે પીછો કર્યાે હતો. જાે કે ચોરને પકડવામાં સફળ ન થતાં નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી.
જ્યારે રીનાબેન રાઠોડ (રહે.કૃષ્ણ દર્શન સોસાયટી, રામોલ) પતિ હિતેશભાી સાથે દવા લેવા જતાં હતા. ત્યારે સીટીએમ સ્નાનઘર નજીક પહોંચતા નંબર વગરનાં મોટર-સાયકલ ઉપર બે ઈસમો આવ્યા હતા. જેમાંથી પાછળ બેઠેલાંએ રીનાબેનનાં ગળામાં હાથ નાંખી સોનાનો ૬૦ હજારની કિંમતનો દોરો તોડી લીધો હતો.
બંને ચોરો સીટીએમની એક્ષપ્રેસ હાઈવે તરફ ભાગવા જતાં હિતેશભાઈએ તેમનો પીછો કર્યાે હતો. અને બુમાબુમ કરી હતી. રસ્તામાં ટ્રાફીક હોવાથી ચોર ફસાઈ જતા હિતેશભાઈએ બંને જણાંને પકડ્યા હતા. જાે કે એકે છરી કાઢીને આડેધડ ફેરવતાં રીનાબેનનાં હાથે ધસરકાં વાગ્યા હતા. બાદમાં બંને ચોર ત્યાંથી ભાગી છૂટતાં આ અંગે રીનાબેને રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
ઉપરાંત નરોડા પાટીયા મહાજનીયાવાસમાં રહેતા સંધ્યાબેન દિદાવાલા સોમવારે સાંજે પાંચ વાગ્યે પુત્રી અને ભાણેજ સાથે કુબેરનગર માર્કેટ ખાતે કપડાં ખરીદવા ગયા હતા. સાંજે સાત વાગ્યે તે એક લારી પર ઊભાં હતા ત્યારે અંધારાનો લાભ લઈ એક મોટર સાયકલ ચાલક તેમની પાછળ આવીને ગળામાંથી ૩૩ હજારનો દોરો તોડી ભાગી જતાં સરદારનગર પોલીસે તપાસ શરૂ કરી છે.