Western Times News

Gujarati News

ગુજરાત : ૮ બેઠકો પર ભાજપનો જાેરદાર સપાટો, કોંગ્રેસનો સફાયો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ ૮ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જેને લઇને ભાજપ કાર્યાલયે વિજયોત્સવ જેવો માહોલ છે, જ્યારે પેટાચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ કાર્યાલયે સન્નાટો છવાયો છે. વોટ શેરિંગની વાત કરીએ તો આ આઠ બેઠકો પર ભાજપને ૫૫ ટકા મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર ૩૪.૪ ટકા જ મત મળ્યા છે. આ બેઠકો પર ૮.૪૬ ટકા મત અન્ય ઉમેદવારોને જ્યારે ૨.૧૬ ટકા મત નોટામાં પડ્યા છે. ગુજરાતની તમામ ૮ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે

અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજાનો ૩૬ હજારથી વધુ મત અને કરજણમાં અક્ષય પટેલનો ૧૬ હજારથી વધુ મત સાથે વિજય થયો છે. અબડાસા બેઠક પર ભાજપે પોતાની જીત નિશ્ચિત કરી લીધી છે. ૧૦ ઉમેદવારો પૈકીના ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાએ શરૂઆતથી લીડ બનાવી રાખી હતી અને તેમને ૭૧૦૬૦ મત મળ્યા છે તેઓને અહિંથી ૪૯.૩ ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ડો. શાંતિલાલ સેંઘાણીને અપક્ષ ઉમેદવાર હનીફ બાવા પડેયારએ બરાબર ટક્કર આપી હતી અને કોંગ્રેસ કરતા એક સમયે વધારે મત મેળવ્યા હતા.

સૌરાષ્ટ્રની ગઢડા, ધારી અને મોરબી બેઠક પર પણ ભાજપના ઉમેદવાર વિજયી થયા હતા. મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૬૩૯૫૯ અને કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલને ૫૯૫૯૫ મત મળ્યા છે. મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા ૪૩૫૪ મતથી વિજેતા થયા છે. લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ૮૮,૧૩૧ મત મળ્યા છે. આ સાથે જ કિરીટસિંહ તેમની ભવાન ભરવાડ સામે અગાઉ મળેલી હારનો જીત મેળવીને રેકોર્ડ તોડ્યો છે. કિરીટ સિંહ રાણાને આ વખતે ૫૫.૯૧ ટકા મત મળ્યા છે. અહીં કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા પટેલે રાજીનામું આપી દેતા ચૂંટણી યોજાઈ હતી.

ગઢડાના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ મત ગણતરી કેન્દ્ર છોડી જણાવ્યું હતું કે, લોક ચુકાદો આવી રહ્યો છે. જનતાનો મત એ અમારો મત છે. ભાજપના કામો જોઈને મતદારોએ ભાજપને મત આપ્યા હશે. કોંગ્રસની હાર નહીં પણ જીત છે. ભાજપે તોડજોડ કરી જીત મેળવી છે કરજણ બેઠકની પેટાચૂંટણીની ભાજપના ઉમેદવાર અક્ષય પટેલનો ૧૬,૪૦૯ મતથી વિજય થયો છે. આમ ભાજપે કોંગ્રેસ પાસેથી કરજણ બેઠક આંચકી લીધી છે.

ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને ૭૬,૮૩૧ મત અને કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને ૬૦૪૨૨ મત મળ્યા હતા. જોકે, ૧૫થી ૧૮ રાઉન્ડ સુધીમાં ભાજપના ઉમેદવારની લીડમાં ૫૮૬૧ મતનો ઘટાડો થયો હતો. જોકે ૧૯થી ૨૯માં રાઉન્ડમાં ભાજપની લીડમાં ૧૦,૮૦૮ મતની લીડ વધી ગઇ હતી, જેથી કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારીને મતગણતરી કેન્દ્રમાંથી બહાર નીકળી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.