વિશ્વની મોટી શક્તિને સેના જવાબ આપવા સક્ષમઃ શાહ
કચ્છ: સરહદી ક્ષેત્ર વિકાસ મહોત્સવ સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છમાં છે. તેઓ કચ્છ જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે યોજાનાર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેઓએ સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. સરપંચ સાથેના સંવાદમાં તેઓએ કહ્યું કે, સરહદ પર મા આશાપુરાનો આર્શીવાદ રહ્યો છે, આપણી સીમા તેમના આર્શીવાદથી સુરક્ષિત રહી છે. આજથી ગુજરાતમાં દિવાળીના તહેવારની શરૂઆત થાય છે.
વિકાસના રસ્તે નવા વર્ષે આગળ વધીએ. વર્ષો બાદ હુ કચ્છમાં આવ્યો છું. ભૂતકાળને વાગોળીએ તો ભયાનક ભૂકંપની યાદ આવે છે. ભૂકંપના બીજા જ દિવસે હું પહોંચ્યો હતો, ભયાનક નજારો હતો એ સમયે. બધુ ધ્વસ્ત હતુ, ક્યાંય અખંડિત ન હતુ. વિનાશનું તાંડવ આ જ વિસ્તારમાં જોવા મળ્યું હતું. બધા કહેતા કે હવે ભૂજ ક્યારેય બેઠુ નહિ થાય. પરંતુ ગઈકાલથી કચ્છનું નવુ સ્વરૂપ જોઈને સંતોષ થાય છે. ફરીથી એકવાર લોકોએ પોતાના ઘરને આલિશાન બનાવ્યા છે. પહેલા ભૂજમાં પનિશમેન્ટ પોસ્ટીંગ થતુ હતું, પણ આજે ભૂજ આવવા ઓફિસમાં લાઈન લાગે છે.
આજે ખાવડા સુધી નીર પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે, આજે રણોત્સવ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. દેશની તમામ સીમાઓ પર આ પ્રકારે કાર્યક્રમ યોજાશે. હુ સીમાડાઓ પર જઈને સરહદી વિસ્તારમાં રહીશ પણ. આ સીમાંત ઉત્સવ વિકાસ જે શરૂ થયો છે તેનો હેતુ સીમાવર્તી ગામમાં રહેતા નાગરિકોને સુવિધા અપાવવાનો છે. દિલ્હી-મુંબઈ જેવી સુવિધા અહી મળતી થાય. વિકાસ સીમાંત ગામમાં પહોંચે તે તેનો હેતુ છે.
સીમાને સંભાળીને તમે લોકો બેસ્યા છે. અહીના લોકો જ સીમાના સજાગ પ્રહરી છે. બીએસએફ અને આઈટીબીપી જેવી જવાબદારી તમે નિભાવો છો. આગામી દિવસોમાં અનેક કાર્યક્રમો આવશે. જ્યા સુધી સીમા પર રહેનાર વ્યક્તિ જાગૃત નહિ થાય, ત્યા સુધી આપણી સીમા સુરક્ષિત નહિ થાય. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના ૧૦૬, પાટણના ૩૫, બનાસકાંઠાના ૧૭ મળી કુલ ૧૫૮ ગામના સરપંચો, આગેવાનો સહભાગી થયા છે. જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાઈ.
બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બીએડીપી યોજના હેઠળ હાથ ધરાનાર પ્રોજેકટો અંતર્ગત ચર્ચા કરાશે. આ યોજનામાં ૬૦ ટકા કેન્દ્ર સરકારની અને ૪૦ ટકા રાજય સરકારની હિસ્સેદારી છે. આ યોજના હેઠળ દેશના ૧૬ રાજયો અને ૨ કેન્દ્ર શાસિત માં ૧૧૧ જેટલા સરહદી જિલ્લાઓમાં ૩૯૬ બ્લોક આવરી લેવાયા છે.
જેમાં મુખ્યત્વે માર્ગો, પુલો, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય, સુખાકારી, ખેતી ક્ષેત્ર સામાજિક સેવાઓ, શિક્ષણ, રમતગમત, મોડલ વિલેજ સહિતના વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવી રહયા છે. આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રાજયમાં ૧૬૩૮ પ્રોજેકટ હેઠળ રૂ.૧૯,૩૭૫.૪૮ લાખનો ખર્ચ કરાયો છે. જેમાં કચ્છ જિલ્લામાં ૧૦૦૨, બનાસકાંઠા જિલ્લામાં ૩૫૫ અને પાટણ જિલ્લામાં ૨૮૧ પ્રોજેકટ પૂર્ણ કરાયા છે.