Western Times News

Gujarati News

લાલ દરવાજા માર્કેટમાં થર્મલ ગનથી સ્કેનિંગ બાદ પ્રવેશ

અમદાવાદ: અમદાવાદનું લાલ દરવાજા બજાર ખરીદી માટે પ્રખ્યાત છે. તેમાં પણ તહેવારોના દિવસોમાં ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ અન્ય શહેરમાંથી પણ લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે. એ જ રીતે છેલ્લા કેટલાક દિવસોથી અહીં ખરીદી માટે ભારે ભીડ જામે છે. આ દરમિયાન લોકો કોરોના અંગે સરકારની માર્ગદર્શિકાનું બિલકુલ પાલન ન કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

એટલે કે લોકો ખરીદીમાં નિયમો ભૂલી ગયા છે. તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ માર્કેટમાં ભીડ વધી રહી છે. ભીડના દ્રશ્યો જોઈને તંત્ર આખરે જાગ્યું છે. હાલ લાલ દરવાજા માર્કેટ આવતા લોકોનું થર્મલ ગનથી સ્કેનિંગ શરૂ થયું છે. બજારના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. સ્કેનિંગ બાદ જ લોકોને માર્કેટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આથી અહીં ખરીદી કરવા આવતા લોકોની લાંબી લાઈનો લાગી ગઈ છે.

બીજું કે જો થર્મલ ગનમાં તાપમાન ૩૮ ડીગ્રીથી નીચે આવે તો જ માર્કેટમાં પ્રવેશ આપવામાં આવે છે. જો તેનાથી વધારે તાપમાન હોય તો તેમને પ્રવેશ અપાતો નથી. જોકે, બીજી તરફ અહીં ખરીદી કરવા આવતા લોકો બજારમાં ખરીદી માટે મોડું થઈ રહ્યાનું જણાવીને ભીડ કરી રહ્યા છે. નાના બાળકોને પણ માસ્ક પહેરાવ્યાં વગર સાથે લઈને માર્કેટ પહોંચી રહ્યા છે. થર્મલ સ્કેનિગ કરાવવા માટે પણ પડાપડી કરી રહ્યા છે.

આ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી રહ્યા છે. તંત્ર અને પોલીસના સમજાવવા છતાં લોકો સમજવા માટે તૈયાર નથી થઈ રહ્યા. અહીં માર્કેટમાં ભીડ જોતા લાગે કે દિવાળીના તહેવારની ખરેખર રોનક જોવા મળી રહી છે અને વેપારીઓને સારો એવો વકરો થશે. પરંતુ વેપારીઓનું કહેવું છે કે આ માત્ર દેખાવ માટેની ભીડ છે, માર્કેટમાં ૫૦ ટકા મંદી છે. ભીડમાં દેખાતા બધા લોકો ખરીદી માટે નથી આવતા. વેપારીઓના કહેવા પ્રમાણે એક વ્યક્તિ ખરીદી કરવા આવે છે અને સાથે બે ત્રણ લોકો આવે છે, એટલે ભીડ લાગે છે.

બાકી બજારમાં તો મંદી જ છે. બીજી બાજુ દિવાળીના તહેવારે શહેરમાં કોરોનાના કેસની સંખ્યા પણ વધી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે હૉસ્પિટલોમાં કોરોના દર્દીઓની બેડ ફૂલ થઈ રહી છે. આથી દર્દીઓને હોમ આઇસોલેટ કરવાની ફરજ પડી રહી છે. તંત્રનું કહેવું છે કે લોકો સાવચેતી નહીં રાખે તો દિવાળી પછી કોરોના વાયરસના કેસ ફરીથી વધી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.