ઈમરાન સામેની પોસ્ટ સંદર્ભે અમેરિકન દૂતાવાસે માફી માગી
વોશિંગ્ટન, ઇસ્લામાબાદ સ્થિત અમેરિકન દૂતાવાસે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની વિરૂદ્ધ કરાયેલી એક પોસ્ટને રિટ્વીટ કરવાને લઇ માફી માંગી છે. પાકિસ્તાનના અમેરિકન દૂતાવાસે વિપક્ષી દળ પીએમએલ-એનના નેતા અહેસાન ઇકબાલની એક ટ્વીટને રિટ્વીટ કરી દીધી હતી ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઉહાપોહ મચી ગયો હતો.
અમેરિકન દૂતાવાસે ટ્વીટ કરી કે અમેરિકન દૂતાવાસનું ટિ્વટર એકાઉન્ટ ગઇકાલે રાત્રે હેક થઇ ગયું હતું. અમેરિકન દૂતાવાસ ડિપ્લોમેટસ સંદેશાઓને પોસ્ટ કરે કે રિટ્વીટ કરવા માટે સમર્થ નહોતા. આ બિનસત્તાવાર પોસ્ટથી ઉભા થયેલા કોઇપણ પ્રકારના વિવાદ માટે અમે માફી માગીએ છીએ.
આ તમામ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા એક લેખનો સ્ક્રીનશોટ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર વાયરલ થવા લાગ્યો. આ લેખનું શીર્ષક હતું ટ્રમ્પની હાર આખી દુનિયાના તાનાશાહો માટે ઝાટકો છે. પીએમએલ-એનના નેતા ઇકબાલે આ આર્ટિકલને શેર કરતાં લખ્યું અમારે ત્યાં પાકિસ્તાનમાં પણ એક તાનાશાહ છે, ટૂંક સમયમાં તેને પણ બહારનો રસ્તો દેખાડીશું. અમેરિકન દૂતાવાસે જેવી જ ઇકબાલની ટ્વીટને શેર કરી પાકિસ્તાન સરકારના મંત્રી સહિત કેટલાંય અધિકારીઓ ભડકયા.
પાકિસ્તાની અધિકારીઓએ અમેરિકન દૂતાવાસને કૂટનીતિક પ્રોટોકોલનું પાલન કરવા માટે કહ્યું અને માફી માંગવાની માંગણી કરી. બુધવારના રોજ પાકિસ્તાનમાં હેશટેગ #ApologiseUSembassy પણ ટ્રેન્ડ થવા લાગી હતી. દૂતાવાસની માફી માંગતા પહેલાં માનવાધિકાર કેસના મંત્રી શિરીન માજરીએ કહ્યું કે અમેરિકન દૂતાવાસ હજુ પણ એક ભાગેડુ (નવાઝ શરીફ)નું સમર્થન કરીને ટ્રમ્પના મોડમાં જ કામ કરી રહ્યા છે અને આપણા આંતરિક બાબતોમાં દખલ કરવાની કોશિષ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકન દૂતાવાસથી કૂટનીતિના નિયમોનું પાલન કરવું જોઇએ.
અમેરિકન દૂતાવાસના માફીનામા પર પણ અસંતોષ વ્યકત કર્યો. મંત્રીએ કહ્યું કે સ્વાભાવિક રીતે એકાઉન્ટ હેક થયું નથી પરંતુ જેમની પાસે એક્સેસ હતા તેમણે જ તેનું અનાધિકારિક ઉપયોગ કર્યો. આ બિલકુલ અસ્વીકાર્ય છે કે અમેરિકન દૂતાવાસમાં કામ કરી રહેલ કોઇ શખ્સ કોઇ ખાસ રાજકીય પાર્ટીના એજન્ડા આગળ વધવાની કોશિષ કરી રહ્યા છે. તેના ગંભીર પરિણામ આવશે જેમાં સ્ટાફના વીઝાની સમીક્ષા પણ કરી શકાય છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સલાહકાર શહબાજ ગિલ એ કહ્યું કે આ પહેલી વખત બન્યું છે જ્યારે કોઇ દૂતાવાસ પોતાના જ પસંદ કરેલા રાષ્ટ્રપતિનું અપમાન કરી રહ્યું છે. તેમણે ટ્વીટ કરી ખૂબ જ શરમજનક! અમેરિકન દૂતાવાસ પોતાના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણીને ટ્વીટ કરી રહ્યા છે. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેના પર લોકોનું ધ્યાન ચોક્કસ જવું જોઇએ.
વિવાદ વધતા અમેરિકન દૂતાવાસે માફી માંગી લીધી છે પરંતુ પાકિસ્તાન સરકારનો ગુસ્સો હજુ ઓછો થયો નથી. કેટલાંય મંત્રી અને અધિકારી પાકિસ્તાનમાં અમેરિકન દૂતાવાસની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગણી પણ કરી રહ્યા છે.SSS