પ્રેમલગ્ન કરી લેનાર પુત્રીને પિતાએ જ પેટમાં છરી મારી
મહેસાણા: મહેસાણા તાલુકાના લીંચ ગામે પ્રેમલગ્ન મામલે ચાલતી અદાવતના સમાધાન માટે બંને પક્ષો ભેગા થયા હતા, તે સમયે છુટાછેડા લેખમાં સહી કરવાનો ઇન્કાર કરનાર યુવતીને તેના ત્રણ ભાઇઓએ પકડી રાખી અને પિતાએ તેના પેટમાં છરી હુલાવતાં ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઇ હતી. લોહીલુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે દવાખાને લઇ જવાઇ હતી. યુવતીએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં પિતા અને ત્રણ ભાઇઓ સામે ખૂની હુમલા અંગે ફરિયાદ નોંધાવી હતી.
લીંચ ગામના હરચંદજી હેમાજીની ૨૨ વર્ષની પુત્રી કિરણે થોડા સમય પહેલા જ પરિવારની મરજી વિરુદ્ધ ગામના જ રમેશજી દેવાજી ઠાકોર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતે ચાલતી અદાવતના સમાધાન માટે બંને પક્ષો ભેગા થયા હતા. આ સમયે હરચંદભાઇ અને તેમના પુત્રોએ દીકરીને છુટાછેડાના કાગળમાં સહી કરવાનુ કહ્યું. જે બાદ પુત્રીએ સહી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. જેથી ગુસ્સે ભરાયેલા હરચંદભાઇ તેમજ તેમના પુત્રોએ કિરણને જાહેરમાં બધા લોકની સામે જ મારમાર્યો હતો. વાત આટલે જ નથી અટકતી,
જે બાદ ત્રણેય ભાઇઓએ બહેનને પકડી રાખી હતી અને પિતાએ તેના પેટના ભાગમાં છરી મારી દીધી હતી. ત્યારે ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઇ હતી. જે બાદ પોલીસને જાણ કરાઇ હતી. યુવતીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ખૂની ખેલ અંગે દીકરી કિરણે જ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં પિતા હરચંદજી હેમાજી ઠાકોર, ભાઇઓ કિશન હરચંદજી ઠાકોર, જગદીશ હરચંદજી ઠાકોર અને વિજય હરચંદજી ઠાકોર સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને મારામારી અંગે ફરિયાદ નોંધાવી હતી.