Western Times News

Gujarati News

યુવતીનો પીછો કરવા પ્રશ્ને બે જૂથ વચ્ચે મારામારી થઈ

Files Photo

ગાંધીનગર: ન્યૂ ગાંધીનગરના કુખ્યાત અડ્ડા પર વધુ એકવાર હિંસક મારામારી થઈ છે. શાહપુર સર્કલથી રિલાયન્સ ચોકડી તરફના સર્વિસ રોડ પર આવેલા અપના અડ્ડા ટી સ્ટોલ પર વહેલી સવારે ચાર વાગ્યે ખૂની ખેલ ખેલાયો હતો. છોકરીનો પીછો કરવા બાબતે થયેલી માથાકૂટમાં એક યુવકનું મોત થયું હતું જ્યારે એકની હાલ ગંભીર છે. માહિતી પ્રમાણે, સવારે ચાર વાગ્યાના સુમારે રાંદેસણ ખાતે રહેતો ૨૪ વર્ષીય યુવક કેતનસિંહ પૃથ્વીસિંહ ગોહિલ અને સેક્ટર ૨માં રહેતો અભિમન્યુસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ પોતાના મિત્રો સાથે બેઠા હતા.

બીજા ગ્રુપના યુવકો અમદાવાદના હતા. ગાંધીનગરના ગ્રુપના કોઈ વ્યક્તિ દ્વારા એક છોકરીનો પીછો કરાયો હોવાની બાબતે માથાકૂટ થઈ હતી. બંને ગ્રુપના સભ્યો ધોકા અને ખુરશી જેવી નજીકમાં પડેલી વસ્તુઓને હથિયાર બનાવીને એકબીજા પર તૂટી પડ્યા હતા. એક યુવકે છરો કાઢીને કેતનસિંહને છાતી, પીઠ, માથા અને હોઠના ભાગે ઘા માર્યા હતા. પરિણામે તે ઘટનાસ્થળે જ ફસડાઈ પડ્યો હતો. બીજી તરફ અભિમન્યુસિંહને છરાના ઘા વાગતા તેને ગાંધીનગર અને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયો હતો.

સમગ્ર ઘટનાને નજરે જોનારા અને મૃતકના ગ્રુપના રાંદેસણના દીપકસિંહ વિક્રમસિંહ ગોહિલને પોલીસે ફરિયાદી બનાવ્યો છે. ફરિયાદી પર પણ હુમલો થયો હતો. જો કે, છરી વડે હુમલો થયો ત્યારે તે દૂર ખસી ગયો હોવાથી બચી ગયો હતો. મૃતક કેતનસિંહ અને અભિમન્યુસિંહ ઉર્ફે ઋષિને છરાના ઘા વાગ્યા હતા. આ સમગ્ર મામલે ઈન્ફોસિટી પોલીસે છ યુવકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. અપના અડાડ પર હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેને પગલે સીસીટીવીના આધારે હુમલાખોરની શોધખોળ શરૂ કરાઈ છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે, અમદાવાદથી ત્રણ કારમાં યુવક-યુવતીઓ આવ્યા હતા.

ત્રણ યુવતીઓ અને છ યુવકો સહિત કુલ ૯ વ્યક્તિ હતા તેમજ એક કાર પર પોલીસ લખેલું હતું. આ લોકો સનાથલ વિસ્તારમાંથી આવ્યા હોવાની ચર્ચા છે. તેઓ ચા પીધા બાદ નીકળી ગયા હતા પરંતુ રસ્તામાં યુવતીઓના પીછા બાબતે ચર્ચા થયા બાદ તેઓ આગળથી પરત આવ્યા હતા અને એકાએક હુમલો કર્યો હતો. આ ઘટનામાં હુમલાખોર યુવકોની સાથે ત્રણ યુવતીઓ પણ હતી. સામાન્ય રીતે પ્રોહિબિશનના કેસમાાં પોલીસ મહિલાઓ પ્રત્યે માનવતા દાખવતી હોય છે પરંતુ આવી ક્રૂર ઘટનામાં યુવતીઓને સાક્ષી બનાવાય છે કે આરોપી તે જોવું રહ્યું.

અપના અડ્ડા અને આસપાસના વિસ્તારમાં ગાંધીનગર અને અમદાવાદના અનેક યંગસ્ટર્સ આખી રાત બેસી રહેતા હોય છે. આ યુવકોના જૂથ વચ્ચે ઘણીવાર મારામારી થતી રહી છે અને ક્યારેક પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાય છે. કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સનું પાલન કર્યા વિના આખી રાત ધમધમતા આવા અડ્ડાઓને લીધે ગાંધીનગરમાં ગુનાખોરી વધી રહી છે. ન્યૂ ગાંધીનગરના આ પ્રકારના સ્થળો સામે પોલીસ નામ પૂરતી કાર્યવાહી કરે છે પરંતુ વહીવટીતંત્ર આંખમિચાણા કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.