ડાંગ જિલ્લામાં ભેખડો ધસી પડવાથી રસ્તાઓ બંધ થતા જનજીવનને અસર
પુર્ણા નદીના પાણી એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ-મહાલ ના કેમ્પસમાં ધસી આવતા વન વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી બાળકો સહિત તમામ સ્ટાફને બચાવી સલામત સ્થળે ખસેડયા.
(ડાંગ માહિતી બ્યૂરો)ઃઆહવાઃતાઃ૦૫ઃ ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહયો છે. ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ના જણાવ્યાનુસાર આજે તા.૫/૮/૨૦૧૯ ના રોજ સવારે ૬ કલાકે પુરા થતા ૨૪ કલાકમાં આહવા-૯૬ મીમી અને કુલ-૧૪૬૦ મીમી,વધઈ ૧૦૦મીમી અને કુલ-૨૫૦૫ મીમી,સુબીર ૧૮૭ મીમી કુલ-૧૪૨૭ અને સાપુતારા ૧૧૬ મીમી અને કુલ ૧૪૬૨ મીમી વરસાદ નોંધાયો છે એટલે કે અંદાજીત ૫.૫ ઈંચ વરસાદ પડયો છે. હાલપર્યંત વરસાદ ચાલુ છે.
ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે જિલ્લામાં અનેક જગ્યાઓએ ભેખડો ધસી પડતા અંતરિયાળ રસ્તાઓ સહિત નેશનલ હાઈવે ના રસ્તાઓ પણ પાંચ થી છ કલાક માટે બંધ થઇ ગયા હતા. આજે સવારે ૯.૩૦ કલાકે ભારે વરસાદને કારણે વાંસદા-વધઇ વચ્ચે ૬૬ કે.વી.ની વીજ લાઈન ઉપર મોટુ ઝાડ ધરાશયી થતા અંદાજીત ૩ કલાક માટે ડાંગ જિલ્લાને અપાતો વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
પુર્ણા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણી ધસી આવતા એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ-મહાલના કેમ્પસમાં નદીના પાણી ફરી વળતા બાળકો અને સ્ટાફ ફસાઈ ગયો હતો. નાયબ વન સંરક્ષકશ્રી અગ્નેશ્વર વ્યાસે વાયરલેસની મદદથી વનવિભાગની ટીમને સૂચના આપતા સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી તાત્કાલિક વનવિભાગના સરકીટ હાઉસ ખાતે સલામત સ્થળે ખસેડી પ્રશંસનીય કામગીરી કરી હતી.
ભારે વરસાદ અને હવામાન ખાતાની ભારે વરસાદની ચેતવણીને પગલે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારાએ ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ,માધ્યમિક શાળાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તથા છાત્રાલયોમાં માં રજા જાહેર કરી છે. વધુમાં આચાર્યશ્રીઓ અને ગૃહપતિઓને વરસાદના અહેવાલ નોંધાવવા તાકીદ કરી હતી.
સવારે ૬ થી સાંજે ૪ કલાક સુધીમાં આહવા-૧૩૯ મીમી,વધઈ-૨૬૪ મીમી,સુબીર-૧૨૩મીમી અને સાપુતારા ખાતે ૧૮૦મીમી વરસાદ નોંધાયો છે.