Western Times News

Gujarati News

ફિલ્મ હેલ્લારોમાં અભિનય કરનારી ભૂમી પટેલનું નિધન

અમદાવાદ, ૨૦૨૦નું વર્ષ વિશ્વ માટે તો ઘણું જ કપરું સાબિત થઈ જ રહ્યું છે. આ સાથે જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ એક પછી એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ મહેશ-નરેશ જેવી સુપરસ્ટાર જોડીને ગુમાવી તો ત્યારબાદ થોડા દિવસો પછી આશિષ કક્કડ જેવા ટેલેન્ટેડ કલાકારને ગુમાવ્યા. હવે ફરી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર આભ તૂટી પડ્યું છે. “હેલ્લારો”માં ડાન્સર રહેલા અને પોતાની અભિનય ક્ષમતાનો પરચો આપનાર ભૂમિ પટેલના નિધનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ છે.

નેશનલ એવોર્ડ મેળવીને દેશ-વિદેશમાં પોતાનો ડંકો વગાડનાર ફિલ્મ હેલ્લારોના સમગ્ર ટીમ મેમ્બર્સને ત્યારે આંચકો લાગ્યો હતો જ્યારે તેમને એ સમાચાર મળ્યા કે તેમની એક ટીમ મેમ્બર ભૂમિ પટેલ હવે તેમની વચ્ચે નથી રહ્યાં. હેલ્લારોમાં કામ કરનાર મુખ્ય એક્ટ્રેસિસમાંથી એક નિલમ પાંચાલે ભૂમિ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું હતું કે,”બસ…દર મહિને આપણે પ્લાન બનાવતા જ રહી ગયા…અમને વિશ્વાસ નથી થતો કે તું અમારી વચ્ચે નથી. અમે તને ખૂબ જ મિસ કરીશું ભૂમિ…રીપ” આ સાથે જ તેમણે પોસ્ટમાં માહિતી આપી હતી કે ભૂમિ પટેલ છેલ્લા એક મહિનાથી કેન્સર સામે લડી રહ્યાં હતાં.

હેલ્લારોમાં કામ કરનાર એક્ટ્રેસ કૌશાંબી ભટ્ટે શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે,બહુ જ નાની ઉંમરની અને ગ્રેસફૂલ ડાન્સ કરતી ભૂમિના જવાથી ખૂબ જ દુઃખ થયું છે. ટેલેન્ટેડ અને મિલનસાર સ્વભાવ ધરાવતી ભૂમિને બ્લડ કેન્સર હોવાની માહિતી મળી હતી. તેઓ ખૂબ સારા ફાઈટર હતાં અને કેન્સર સામે લડત આપી હતી. ૨૦૨૦ ખૂબ જ ખરાબ રહ્યું છે. ભગવાન તેમના માતાપિતા અને પરિવારને આ દુઃખમાંથી બહાર નીકળવાની શક્તિ આપે. હેલ્લારોમાં ભૂમિ પટેલ સાથે કામ કરનાર ફિલ્મ એક્ટ્રેસ તરજાની ભાડલાએ દુઃખ સાથે જણાવ્યું હતું કે, મેં ભૂમિ સાથે વધારે કામ નથી કર્યું પરંતુ જેટલો સમય સાથે વિતાવ્યો છે તે ખૂબ જ યાદગાર રહ્યો હતો. આવી સારી વ્યક્તિનું આપણી વચ્ચેથી અચાનક વિદાય લેવી તે અસહ્ય છે. જ્યારે મને સમાચાર મળ્યા ત્યારે પહેલા તો માનવામાં જ ન આવ્યું એ ખૂબ જ કપરો સમય હતો.

હેલ્લારોમાં સંગીત આપનાર સંગીતકાર મેહુલ સુરતીના જણાવ્યાનુસાર, ભૂમિ પટેલ હેલ્લારોમાં ગ્રૂપ ડાન્સર હતાં. તેઓ સરળ અને સાલસ સ્વભાવના હતાં. તેમની અચાનક વિદાય થઈ તે માનવામાં જ નથી આવતું. જ્યારે અમને સમાચાર મળ્યા ત્યારે પહેલા તો વિશ્વાસ જ થતો નહોતો.’ આ સાથે જ તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

હેલ્લારોમાં પોતાની ડાન્સ પ્રતિભાનો પરચો આપનાર ભૂમિ પટેલને અનેક એવોર્ડ્‌સ પણ મળી ચૂક્યાં છે. ભૂમિ પટેલ ટેલેન્ટેડ હોવાની સાથે જ મહત્વકાંક્ષા ધરાવનાર વ્યક્તિ હતાં. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી જ એ વાતની સાબિતી મળે છે. તેમના એકાઉન્ટમાં એવોર્ડ્‌સની તસવીર શૅર કરીને ભૂમિ પટેલે એવું લખ્યું હતું કે મેની મોર ટૂ કમ… જોકે, તેમની ઈચ્છા પૂરી થાય એ પહેલા જ તેમણે અલવિદા કહ્યું હતું. જેથી સાથી કલાકારો ગમગીન છે. ભૂમિ પટેલને ‘એક્સલન્સ ઈન કલ્ચરલ એક્ટિવિટીઝ ૨૦૧૧-૧૨’, ગરબા અને ફોક ડાન્સ માટે એવોર્ડ, ડ્રામા રનર અપ, એક્સલન્ટ અચિવમેન્ટ ૨૦૧૩ સહિતના અનેક એવોર્ડ મળ્યા હતાં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.