કોરોનાની વધુ એક રસી તૈયાર, આ માસની આખર સુધીમાં બે કરોડ ડૉઝ આપવાની તૈયારી
ન્યૂયોર્ક, અમેરિકાની મોડર્ના કંપનીએ પણ કોરોનાને નાથી શકે એવી રસી તૈયાર કરી હોવાનો દાવો કર્યો હતો. આ રસીના બે કરોડ ડૉઝ આ માસની આખર સુધીમાં પોતે આપી શકે છે એવો દાવો પણ આ કંપનીએ કર્યો હતો.
દુનિયાભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા અને મૃત્યુઆંક પણ એટલી જ ઝડપે વધી રહ્યો હતો એટલે કેટલાક દેશોની કંપનીઓ કોરોના વિરોધી રસી તૈયાર કરવા સતત દોડધામ કરી રહી હતી. પોતાની રસીને માન્યતા આપવા મોડર્નાએ અમેરિકા અને યૂરોપના દેશોને ક્યારનીય અરજી કરી દીધી હતી.
અત્યર અગાઉ કંપનીએ મોટે પાયે આ રસીની કરેલી ટ્રાયલમાં સાડા એકાણું ટકા સફળતા મળી હોવાનું કહેવાય છે. સૌથી મહત્ત્વની વાત એ હતી કે આ રસીની કોઇ આડઅસર કે પ્રતિકૂળ લક્ષણો દેખાયાં નહોતાં. કંપનીએ કહ્યું હતું કે અમારી રસી આબાલ વૃદ્ધ ગમે તેને આપી શકાય છે અને કેટલાક ગંભીર કેસોમાં તો એ 100 ટકા સફળ થઇ હતી.