દુર્વ્યવહાર કેસમાં કલકત્તાના પૂર્વ જસ્ટિસ કર્ણનની ધરપકડ
કલકત્તા, કલકત્તા હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ સીએસ કર્ણનની બુધવારે ધરપકડ કરી લેવામાં આવી હતી. ગત મહિને તમિલનાડૂ બાર કાઉન્સિલ તરફથી મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરી નિવૃત જસ્ટિસ સીએસ કર્ણન વિરુદ્ધ ન્યાયાધીશોની પત્નીઓ, મહિલા વકીલો અને કોર્ટની મહિલા સ્ટાફ સાથે દુર્વ્યવહારના આરોપ લગાવવામાં આવ્યા હતા. પૂર્વ જસ્ટિસ સીએસ કર્ણન પર આરોપ હતા કે તેમણે મહિલાઓને દુષ્કર્મની ધમકીઓ આપી અને યૌન ટિપ્પણીઓ કરી હતી.
ગત ૨૭ ઓક્ટોબરે ચેન્નાઇ પોલીસના સાયબર સેલ શાખામાં મદ્રાસ હાઇકોર્ટના વકીલે ફરિયાદ કરી હતી. એક અધિકારી મુજબ આ ફરિયાદ મદ્રાસ હાઇકોર્ટના વરિષ્ઠ વકીલોના પત્ર પછી સામે આવી. વકીલોએ આ પત્ર ચીફ જસ્ટિસ શરદ એ બોબડેને લખ્યો હતો. પત્રમાં એક વીડિયોનું વર્ણન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ જસ્ટિસ કર્ણન મહિલાઓને લઇને અભદ્ર ટિપ્પણી કરી રહ્યા હતા અને ન્યાયિક અધિકારીઓ તથા ન્યાયાધીશોની પત્નીઓને બળાત્કારની ધમકી આપી રહ્યા હતા. વીડિયોમાં એમ પણ જોઇ શકાતુ હતું કે પૂર્વ જસ્ટિસ કર્ણન સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજો પર કોર્ટની મહિલા સ્ટાફ સાથે યૌન હિંસાના આરોપ લગાવી રહ્યા હતા.
વિવાદોમાં રહેલા પૂર્વ જસ્ટિસ કર્ણનના કથિત વિડીયો વાયરલ થયા હતા. બાર કાઉન્સિલ મુજબ કર્ણન ન્યાય વ્યવસ્થા માટે ખતરો બની ગયા હતા. કર્ણન પોતાના કાર્યકાળમાં જેલની સજા ભોગવી ચૂક્યા હતા. સુપ્રીમ કોર્ટે તેમને ન્યાય વ્યવસ્થા અને ન્યાય પ્રક્રિયાની અવમાનનાના દોષમાં મે ૨૦૧૭માં છ મહિનાની સજા સંભળાવી હતી. આ સિવાય કાર્યકાળમાં તેમની પર અનેક વાર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા.