રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના આગેવાનો સુષ્મા સ્વરાજના અંતિમ દર્શન કર્યા
સાંજે અંતિમ વિધિ_ સમગ્ર દેશમાં શોકનો માહોલ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મહિલા અગ્રણી સુષ્મા સ્વરાજનું ગઈકાલે રાત્રે હૃદયરોગના હુમલાના કારણે નિધન થતાં ચોતરફ ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી. સ્વ.સુષ્મા સ્વરાજની આજે બપોરે ત્રણ વાગ્યાના સુમારે દિલ્હી ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે.
ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના મહિલા અગ્રણી સુષ્મા સ્વરાજની ગઈકાલે અચાનક જ તબિયત લથડતા તેને દિલ્હીની એઈમ્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ રાત્રે હૃદયરોગનો તીવ્ર હુમલો આવતા તેમનું નિધન થયુ હતુ. સુષ્મા સ્વરાજે અંતિમ શ્વાસ એઇમ્સ હોસ્પીટલમાં જ લીધા હતા. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપના અગ્રણી નેતાઓ એઇમ્સ હોસ્પીટલ ખાતે પહોંચી ગયા હતા. અને સ્વર્ગસ્થના પરિવારજનોને સાંત્વના આપી હતી.
મોડી રાત્રે સુષ્મા સ્વરાજના નશ્વર દેહને તેમના નિવાસસ્થાન લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના પરિવારજનો સહિત ભાજપના અનેક નાનામોટા નેતાઓ રાતભર હાજર રહ્યા હતા.
The Vice President, Shri M. Venkaiah Naidu paying his last respects to the former Union Minister, Smt. Sushma Swaraj, in New Delhi on August 07, 2019.
આજે સવારે સુષ્મા સ્વરાજના નશ્વર દેહને તેમના નિવાસસ્થાને અંતિમ દૃશન માટે રાખવામાં આવ્યો હતો. આજે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, યોગ ગુરૂ બાબા રામદેવ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ,સાંસદ હેમામાલિની અને બીએસ.પીના નેતા માયાવતી સહિતના અનેક અગ્રણીઓએ તેમના નિવાસસ્થાને પહોંચી જઈને અંતિમ દર્શન કરી સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલી આપી હતી.
મળતી માહિતી અનુસાર આજે સવારે સાડા દસ વાગ્યાના સુમારે સ્વ.સુષ્મા સ્વરાજના નશ્વર દેહને દિલ્હી ખાતેના ભાજપ કાર્યાલય ખાતે અંતિમ દર્શને માટે લઈ જવામાં આવશે. ત્યારબાદ બપોરના ત્રણ વાગ્યે તેમની અંતિમક્રિયા શરૂ થશે. તેમની અંતિમક્રિયા દિલ્હીના લોધી રોડ પર આવેલા સ્મશાન ઘાટ ખાતે થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજ અગાઉની મોદી સરકારમાં વિદેશ મંત્રી તરીકેની ફરજ સંભાળી હતી. પરંતુ ત્યારબાદ તબિયતના કારણે તેઓએે ગત લોકસભાની ચૂંટણી લડ્યા નહોતા. તેઓએ તબિયતના કારણે ભાજપના મોવડીમંડળને પણ પોતાની સતાથી દુર રાખવા વિનંતી કરી હતી.