વન્દે માતરમ્, હું ભારતીય છું
“હા, હું ભારતીય છું.” આ વાક્ય બોલતા આપણે ક્યારે શીખીશું? આપણે અંગ્રેજોની ગુલામીમાંથી તો છૂટી ગયા પણ આ રાષ્ટ્રવાદની ગુલામીથી ક્યારે છૂટશું? આજે મારા વોટ્સએપ ગ્રુપમાં એક સવાલે મને એના પર લખવા પ્રેરીત કરી છે. શું જીજ્ઞાબેન તમે જૈન છો તો અનાયસે મારા મુખમાંથી નીકળી ગયું કે હું હિંદુસ્તાની(ભારતીય) છું. સામે એ વ્યક્તિ ગદગદ થઈ ગયો અને તે મારા આ જવાબને સલામ કરવા લાગ્યો. ખરેખર ત્યારે મારા મનમાં થયું કે આપણે રાષ્ટ્રવાદ, ધર્મવાદ, જાતિવાદ અને ભાષાવાદને બદલે ફક્ત હિંદુસ્તાની કે ભારતીય શબ્દ જ યાદ રાખીશું તો આવા કોઈપણ પ્રકારનો વિવાદ જ નહીં રહે.
આપણી તો ભાતીગળ પ્રજા અને એની ભાતીગળ સંસ્કૃતિ, ધર્મ અને ભાષા. ખરેખર આપણા ભારત જેવી સંસ્કૃતિ અને ઉત્સવો આ ધરા પર બીજે ક્યાંય જોવા નહીં મળે. સાચે જ આ બાબતમાં આપણો દેશ મહાન છે એમાં કોઈ શક નથી, પણ આપણો પહેલો અને સાચો ધર્મ કે ફરજ શું છે? આપણો પહેલો ધર્મ આપણી ભારતમાતાનું સન્માન કરવું અને એની ભક્તિ કરવી. એની ગરિમાને ઠેસ પહોંચે એવું કોઈ કાર્ય કરવું નહીં. તો પછી એના સન્માનમાં આપણે હું ભારતીય છું એમ કેમ નથી બોલતા? દોસ્તો આપણા ધાર્મિક ગ્રંથો પછી એ ગમે તે હોય જેમ કે ગીતા, બાઇબલ કે કુરાન – એ બધામાં જ લખ્યું છે કે સર્વધર્મ એક સમાન. આ બધા જ ગ્રંથોમાં વણાયેલા શબ્દે-શબ્દો એક જ છે તો પછી આપણને હું હિંદુસ્તાની કે હું ભારતીય છું એ કહેવામા શરમ શેની? આજે વિદેશોમાં પણ આપણા ભારતનું નામ રોશન કરવાવાળા આપણા ભારતીય ભાઈઓએ નામના મેળવી છે, એનું સૌથી મોટું ઉદાહરણ તો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે. શું તમે જોયું છે કે તેઓ જ્યારે વિદેશમાં જાય છે ત્યારે પોતાના ધર્મનો પ્રચાર કરતાં હોય છે? મેં તો નથી જોયું. તેઓ પહેલા પોતાની ઓળખ એક ભારતીય તરીકે આપે છે અને એમના વક્તવ્યમાં હંમેશા ભારતમાતાનો જ પહેલો ઉલ્લેખ હોય છે. એમણે ભારતને સ્વચ્છ રાખવા માટે ઘણાં પ્રકારના અભિયાન ચલાવ્યા છે જેમાં પોતે પણ સહભાગી થયા છે. ગંગા જેવી આપણી પવિત્ર નદીને પણ સ્વચ્છ કરવાનું બીડું ઝડપ્યું છે.
અરે વિદેશમાં પોતાના ભાષણમાં તેઓ ‘ટોઇલેટ’ જેવા શબ્દોનો ઉલ્લેખ કરી શકતા હોય તો એમનો ગર્વ લેવો જ રહ્યો. પોતાની માતૃભૂમિને ક્યારે ન ઝૂકવા દેનાર મોદીજી ખરેખર પ્રશંસનીય છે. તો પછી ધર્મનો ભેદભાવ કરીને ધર્મના નામે ચડસાચડસી શું કામ? જ્યારે સર્વધર્મ એકસમાન હોય તો ધર્મનો ખોટો પ્રચાર કરીને આપણી જ ભારતમાતાના ટુકડાં શું કામ કરીએ? એમની છાતી પર પ્રહાર શું કામ? મને ઘણીવાર થાય છે કે આપણે કોઈ મંદિર, મસ્જિદ કે ચર્ચમાં જઈએ છીએ ત્યારે ઈશ્વર તમને પૂછે છે કે તું કયાં ધર્મનો છે? તું બીજા ધર્મનો છે તો હું તને દર્શન નહીં આપું? તો શું આપણે ઈશ્વરથી મોટાં થઈ ગયા કે આપણે એમને વહેંચી લીધા. દોસ્તો તમે કયાં ભગવાનને માનો છો એ તો તમારી આસ્થાનો વિષય છે એમાં હું કાંઈ બોલી ન શકું. પણ આ જેટલી તમારી ઈશ્વર પ્રત્યે શ્રધ્ધા છે એનાથી વધારે નહીં તો કાંઈ વાંધો નહીં પણ એટલી શ્રધ્ધા તો આપણી ભારતમાતા પ્રત્યે હોવી જ જોઈએ. અહીં હું એક સવાલ પૂછવા માંગુ છું કે તમે ક્યારે સાંભળ્યું છે કે આપણી સરહદ પર આપણી રક્ષા માટે હંમેશા તૈનાત રહેતા કોઈ ભી જવાન એમ બોલ્યા હોય કે હું આ રાજ્યનો કે આ ધર્મનો. તેમની ઓળખ અને તેમનો ધર્મ એક જ છે અને એ છે ‘ભારતીયતા’.
અરે આપણે પણ એમને ભારતીય જવાન તરીકે ઓળખીએ છીએ તો આપણે કેમ એમને અનુસરતા નથી. તો દોસ્તો, ચાલો આજે આપણે આપણને જ એક વચનથી બાંધીએ કે જ્યારે કોઈ આપણને આપણા રાજ્ય કે ધર્મ વિષે સવાલ પૂછે તો આપણો જવાબ “હું ભારતીય છું”. દોસ્તો આપણે આપણી માતૃભૂમિના ઋણી છીએ. એના ઋણમાંથી મુક્ત આપણે ક્યારે નથી થવાના પણ એમની ભક્તિ કરીને ભારતમાતાની સેવા કરીને ફક્ત બોલશો કે ‘હું ભારતીય’ તો કદાચિત્ એના ઋણનો ભાર થોડો હળવો કરી શકશું.
દોસ્તો આજે આપણો આ ભારત દેશ ક્યાં નો ક્યાં પહોંચી ગયો છે. આપણા ભારતીયોની બુદ્ધિમતાને તોલે કોઈ દેશ આવી જ ના શકે. દોસ્તો આપણા દેશની મહાનતાનો ઉલ્લેખ તો ઘણી ખરી ભારતીય ફિલ્મમાં પણ કરવામાં આવ્યો છે જેના શબ્દે શબ્દ સાચાં છે. આવા આપણા મહાન દેશની ગરિમા આપણે જાળવી જ રહી. તો દોસ્તો આપણે આપણા આવા મહાન દેશનો ગર્વ અનુભવીને શું આપણે ભારતીય કે હિંદુસ્તાની ન બની શકીએ? કહેવાનો તાત્પર્ય એ જ કે આજથી હું ગુજરાતી, મરાઠી, હિન્દી, સિંધી, રાજસ્થાની, બંગાળી, પંજાબી વગેરે બોલવા કરતાં હું હિંદુસ્તાની કે ભારતીય બોલવાની આદત તો આપણે પાડવી જ રહી…છેલ્લે મોદીજીની બે લીટીથી હું મારો લેખ પૂરો કરીશ,
સોગંધ હૈ મુજે ઇસ મિટ્ટી કી,
મેં દેશ નહીં ઝૂકને દુગા,
મેં દેશ નહીં મિટને દુગા…
જીજ્ઞા કપુરિયા ‘નિયતી’