કોરાના વાયરસ અને ટીબી વચ્ચેની સામ્યતા અને તફાવત
ડૉ. અંકિત બંસલ, કન્સલ્ટન્ટ પલ્મોનોલૉજી ઍન્ડ ક્રિટિકલ કૅર
કોરોનાવાયરસ અથવા કોવિડ-19 મહામારીએ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, પણ આંકડા દેખાડે છે કે, દૈનિક ધોરણે ટ્યુબરક્યુલોસિસ અથવા ટીબી વધુ લોકોને અસર કરે છે. ભારતમાં, એક ત્રિમાસિક ગાળામાં ટીબી આશરે 20,000 (2019ની આંકડા પ્રમાણે) લોકોનો ભોગ લે છે, આની સામે માર્ચ મહિનાથી કોવિડ-19ને કારણે થયેલાં મોતની સંખ્યા અત્યંત ઓછી રહી છે. કોવિડ-19ની જેમ જ ટીબી પણ ચેપી છે, આથી ટીબીના દરદીઓ આ સમયમાં વધુ સાવચેત રહે અને સરકાર દ્વારા સૂચવવામાં આવેલા માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગના સુરક્ષા નિયમોને અનુસરે એ મહત્વનું છે.
ટીબી અને કોવિડ-19 વિશે તમારે જાણવી જોઈએ એવી પાંચ બાબતો આ રહીઃ
લક્ષણોઃ ટીબી અને કોવિડ-19ના દરદીઓ લગભગ એકસમાન લક્ષણોનો અનુભવ થાય છે. આ બંને બીમારીઓ ફેફસાં પર હુમલો કરે છે અને તેમના સામાન્ય લક્ષણો છે તાવ, ખાંસી અને થાક.
તફાવતોઃ ટીબીના દરદીઓને ભૂખ મરી જવી, રાત્રે પરસેવો વળવો, વજનમાં ઘટાડો અને અતિશય થાક અનુભવાય છે. જ્યારે કોવિડ-19થી અસરગ્રસ્ત થયેલા લોકોને નાક બંધ થવું, શ્વાસ લેવામાં મુશ્કેલી અને/અથવા અતિસારનો અનુભવ થાય છે. કોવિડ-19ના લક્ષણો સાતથી ચૌદ દિવસના (આમ છતાં લોકો ચેપગ્રસ્ત રહે છે) ગાળામાં પ્રગટ થાય છે અને ગાયબ પણ થઈ જાય છે, પણ ટીબીના લક્ષણો લાંબા ગાળા સુધી હાજર રહે છે.
સંક્રમણ પ્રક્રિયાઃ ટીબીના મામલામાં, બીમારી હવા દ્વારા ફેલાય છે (તંદુરસ્ત વ્યક્તિ ચેપગ્રસ્ત હવા શ્વાસમાં લે અથવા તેમાં શ્વસે તો તેને ટીબી થઈ શકે છે). પણ કોવિડ-19નો ચેપ તો જ લાગે છે જો તમે કોવિડ-19ના દરદીના નિકટના સંપર્કમાં આવો અને તમે ચેપ ધરાવતી વ્યક્તિને સ્પર્શો, અને એ પછી તમારા નાક, આંખ અથવા મોંને સ્પર્શો તો તમને પણ આ બીમારી થઈ શકે છે.
સારવારઃ ટીબીમાંથી સાજા થઈ શકાય છે અને સમયસર તપાસ અને સારવાર પૂર્ણ કરવાથી તેના ઉથલાને રોકી શકાય છે. ટીબીનો દરદી 2-3 અઠવાડિયા માટે નિયમિત દવાઓ લે છે, ત્યારે આ બીમારી ચેપી રહેતી નથી. દરદીએ 6-9 મહિના અથવા ડૉક્ટર સૂચવે એટલા સમયગાળા સુધી જ દવાઓ લેવાનું ચાલુ રાખવાનું હોય છે. કોવિડ-19નો કોઈ ઈલાજ નથી, આમ છતાં પોતાની જાતને સુરક્ષિત રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે કે બહાર નીકળો ત્યારે હંમેશા તમારું મોઢું અને નાક ઢાંકેલા રાખવા, નિયમિત સમયાંતરે સાબુથી હાથ ધોવા અને સ્વચ્છતા જાળવવી.
સામાજિક સમસ્યા/કલંક: ટીબી અને કોવિડ-19 બંને સાથે ભય અને કલંક જોડાયેલા છે અને હૉસ્પિટલ તેમ જ સમાજની ઉદાસીનતા-ભાવશૂન્યતાને કારણે અનેક દરદીઓને સહન કરવું પડે છે. પણ આવા દરદીઓ તરફ હીન દૃષ્ટિથી ન જોવું જોઈએ. તેમને ‘ભોગ બનેલા’, ‘આઈસોલેશનમાં’ અથવા ‘શંકાસ્પદ કેસ’ તરીકે સંબોધવા જોઈએ નહીં. મેડિકલ પ્રેક્ટિસનર્સ, ટીબીમાંથી સાજા થયેલાઓ, ટીબી દરદીઓના મિત્રો અને પરિવારો અને કોવિડ-19ના દરદીઓએ સમાજને શિક્ષિત કરવા માટેના જંગમાં તથા આ બે બીમારીઓ વિશેની જાગરુકતા લાવવાના પ્રયાસો સાથે જોડાવું જોઈએ અને આ બીમારીઓ સાથે સંકળાયેલી ખોટી માન્યતાઓ અને ગેરસમજો પણ દૂર કરવી જોઈએ.
તમે ઉપર જણાવેલા કોઈપણ લક્ષણોથી પીડાતા હો તો, તરત જ તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો. ટીબી અને કોવિડ-19ની વહેલી તપાસ અને સારવાર તમારું તથા તમારી આસપાસના લોકોનું જીવન બચાવી શકે છે.