અમદાવાદમાં 31 ડિસેમ્બરની આ વર્ષે ઉજવણી નહીં કરી શકાય
અમદાવાદ, અમદાવાદ શહેરમાં હાલ કર્ફ્યૂને કારણે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે આગામી દિવસોમાં પણ કર્ફ્યૂ અમલમાં રહેશે, જેને પગલે ક્રિસમસ અને 31 ડિસેમ્બરની કોઈ જાહેર કે રાત્રિ ઉજવણી થઈ શકશે નહીં. પોલીસ દ્વારા રાતે 9 વાગ્યા બાદ કર્ફ્યૂનું કડક પાલન કરવામાં આવશે. કર્ફ્યૂ ભંગ કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લોકોને સંક્રમણથી બચાવી શકાય એ માટે પણ કાર્યવાહી કરવા પોલીસ સજ્જ બની છે.
અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલના ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં જ્યારથી કર્ફ્યૂનો અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારથી પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવીને કર્ફ્યૂના નિયમ તોડનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 31મી ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકો પાર્ટી કે ઉજવણી માટે બહાર આવતા હોય છે, પરંતુ આ વખતે કર્ફ્યૂને કારણે કોઈ ઉજવણી કરી શકાશે નહીં. જો કોઈ કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વખતે ખાસ ટીમો ખાનગી ડ્રેસમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે, જેથી તરત પોલીસ કાર્યવાહી કરી શકે.