કેસ ઓછા પરંતુ આઈસીયુમાં વધતા દર્દી ચિંતાનું કારણ
જેમણે કાં તો હોસ્પિટલમાં ખૂબ મોડેથી દાખલ થયા છે અથવા તો કોઈ યોગ્ય પ્રોટોકોલના પાલન વગર ઘરે જ રહીને ઘરગથ્થુ ઉપાયોથી પોતાની જાતે સારવાર કરવાનો પ્રયાસ કર્યો છે.’ તેવા દર્દીઓ આઈસીયુમાં
અમદાવાદ: દિવાળી પછી રાજ્ય અને શહેરમાં આવેલા કોરોના મહામારીના બીજા મોજા બાદ હાલ થોડા દિવસોથી ગુજરાત અને અમદાવાદમાં નવા કેસની નોંધણીમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે.
અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલ નવા આંકડા મુજબ શહેરની કોવિડ હોસ્પિટલ્સમાં ભરાયેલા બેડની સંખ્યા ઓછી થઈ રહી છે. જાેકે ડોક્ટરોને એક સમસ્યાની ચિંતા સતાવી રહી છે તે છે શહેરમાં આઈસીયુ અને આઈસીયુ વિથ વેન્ટિલેટર બેડ પર દર્દીઓની સંખ્યા વધી રહી છે.
એસોસિએશનનું કહેવું છે કે લોકો જ્યાં સુધી સમસ્યા ગંભીર નથી થતી ત્યાં સુધી હોસ્પિટલમાં આવતા નથી અને મોડું થવાથી ગંભીર સ્થિતિમાં તેમને આઈસીયુમાં દાખલ કરવા પડે છે. જેના કારણે શહેરમાં ખાલી આઈસીયુ બેડની સંખ્યામાં ઘટાડો થયો છે.
એએચએનએના ડેટા મુજબ સોમવારે સવારે શહેરમાં ૩૭૭૫ જેટલા પ્રાઇવેટ હોસ્પિટલના બેડ પૈકી ૨૨૫૮ જેટલા બેડ ખાલી હતા. તો ભરાયેલા બેડ પૈકી ૩૭ ટકા આઇસોલેશન વોર્ડ, એચડીયુમાં ૩૦ ટકા પરંતુ આઈસીયુ અને આઈસીયુ વિથ વેલ્ટિલેટરવાળા વોર્ડમાં અનુક્રમે ૪૭ અને ૫૦ ટકા જેટલા બેડ રોકાયેલા હતા. અર્થમ હોસ્પિટલના ડો. સૌરભ શાહે કહ્યું કે,
‘શહેરમાં આઈસીયુ અને વેલ્ટિલેટર પર રહેતા દર્દીઓનો રેશિયો હજુ પણ ઘણો ઊંચો છે. આ પૈકી મોટાભાગના દર્દીઓ ૫૦થી વધુ ઉંમરના છે અને તેમને કો-મોર્બિડિટીની સમસ્યા પણ છે. આ સાથે આ લોકો એવા છે જેમણે કાં તો હોસ્પિટલમાં ખૂબ મોડેથી દાખલ થયા છે અથવા તો કોઈ યોગ્ય પ્રોટોકોલના પાલન વગર ઘરે જ રહીને ઘરગથ્થુ ઉપાયોથી પોતાની જાતે સારવાર કરવાનો પ્રયાસ કર્યો છે.’
તો શહેરની અન્ય એક મોટી પ્રાઇવેટ હોસ્પિટલ ડીએચએસના ડિરેક્ટર ડો. સ્વાગત શાહે કહ્યું કે, હાલના સમયમાં ઘણા એવા દર્દીઓ આવી રહ્યા છે જેઓ ૫૦ વર્ષથી મોટી ઉંમરના છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી છે. તેમને કોઈને કોઈ કો-મોર્બિડિટીની સમસ્યા છે. આ સાથે મહામારીના લક્ષણો દેખાતા જ તેમણે હોસ્પિટલ આવવાની જગ્યાએ ઘરે જ સારવાર લેવાનો પ્રયાસ કર્યો છે.