વેક્સિનને લઈ રાહુલનો મોદીને સવાલ, ભારતનો નંબર ક્યારે?
નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સિનને લઈ મોદી સરકાર પર સવાલ ખડા કર્યા છે. દુનિયાના કેટલાક દેશોમાં કોરોનાનું સંક્રમણ અટ્કાવવા તેની વેક્સિન આપવાની શરૂ કરી દેવાનો હવાલો આપીને પુછ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવે કે ભારતનો નંબર ક્યારે આવશે?
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દુનિયામાં અત્યાર સુધીમાં ૨૩ લાખ લોકોને કોરોનાની વેક્સિન આપી દેવામાં આવી છે. ચીન-બ્રિટન-અમેરિકા અને રશિયાએ કોરોનાની વેક્સિન આપવાનું શરૂ કરી દીધું છે. મોદીજી જણાવે કે આ વેક્સિન ભારતમાં ક્યારે આવશે?
ભારતમાં વેક્સિનને લઈને સરકાર કહી ચુકી છે કે, જાન્યુઆરી મહિનામાં વેક્સીનેશન શરૂ થઈ જશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનએ કહ્યું હતું કે જાન્યુઆરીમાં વેક્સિન બજારમાં આવવાની શક્યતા છે. આ દરમિયાન કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ભારતમાં વેક્સિનેશનને લઈને સવાલ પૂછ્યો છે- ભારત કા નંબર કબ આએગા મોદી જી?
રાહુલે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, દુનિયામાં ૨૩ લાખ લોકોને કોવિડ વેક્સિન આપવામાં આવી ચૂકી છે. ચીન, અમેરિકા, બ્રિટન, રશિયાએ વેક્સિનેશન શરૂ કરી દીધું છે. ભારતનો નંબર ક્યારે આવશે મોદી જી?
ભારતની જુદી જુદી કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિનનું પરિક્ષણ યુદ્ધના ધોરણે અંતિમ તબક્કામાં છે. કોરોના વેક્સિનની તૈયારી કેટલે પહોંચી તેની જાણવારી લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ અમદાવાદ, પૂના અને હૈદરાબાદ ખાતે આવેલી જુદી જુદી ફાર્મા કંપનીઓની મુલાકાત લઈ ચુક્યા છે. ભારત બાયોટેક, સીરમ ઈન્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ફાઈઝરે કોરોનાની વેક્સિનનો ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજુરી પણ સરકાર પાસેથી માંગી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર કોવિડ-૧૯નો સામનો કરવા માટે એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સિનને ભારત સરકાર તરફથી આવતા સપ્તાહે મંજૂરી મળી શકે છે. તેના સ્થાનિક નિર્માતા દ્વારા જરૂરી આંકડા ઉપલબ્ધ કરાવ્યા બાદ સરકારથી તેની મંજૂરી મળવાના સંકેત મળ્યા છે. નોંધનીય છે કે ભારત પહેલા જ એસ્ટ્રાઝેનેકાના પાંચ કરોડથી વધુ વેક્સિનનું નિર્માણ કરી ચૂક્યું છે.SSS