મધ્ય પ્રદેશમાં પણ લવ જિહાદ વિરોધી પ્રસ્તાવ મંજૂર
ભોપાલ, મધ્ય પ્રદેશની ભાજપ સરકારે પણ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશની જેમ લવ જિહાદ વિરોધી કાયદો ઘડ્યો હતો. છેલ્લા થોડા સમયથી એવી ઘટનાઓ વધી હોવાના અહેવાલ હતા કે દાઢીમૂછ કઢાવી નાખીને તેમજ પોષાક પહેરવેશ બદલીને ખોટી ઓળખ આપીને કેટલાક મુસ્લિમ યુવાનો હિન્દુ યુવતીઓને ભોળવતા હતા અને છેતરપીંડીથી લગ્ન કરીને ત્યારબાદ યુવતીને મુસ્લિમ ધર્મ સ્વીકારવાની ફરજ પાડતા હતા.
આવા કેટલાક બનાવોની પોલીસ ફરિયાદ થતાં અને મિડિયામાં હો હા થતાં સૌ પ્રથમ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે લવ જિહાદ વિરોધી કાયદો ઘડ્યો હતો. ઉત્તર પ્રદેશના પગલે ગયા સપ્તાહે હિમાચલ પ્રદેશની સરકારે પણ આવો કાયદો ઘડ્યો હતો. હવે મધ્ય પ્રદેશની શિવરાજ સિંઘ ચૌહાણની સરકારે આવો કાયદો ઘડ્યો હતો
શુક્રવારે મધ્ય પ્રદેશ રાજ્ય સરકારના પ્રધાન મંડળે ‘ધર્મ સ્વાતંત્ર્ય ખરડો 2020’ને મંજૂરી આપી હતી. આ ખરડામાં કુલ 19 કલમો છે. પીડિત પરિવાર તરફથી પોલીસ ફરિયાદ થાય તો પોલીસ સ્વતંત્ર રીતે પગલાં લઇ શકશે. આ કાયદા મુજબ કોઇ વ્યક્તિએ સગીર વયની, બીસી-ઓબીસી સમાજની યુવતીને ફોસલાવી પટાવીને કે પોતાની અસલી ઓળખ છૂપાવીને લગ્ન કર્યાંનું પુરવાર થશે તો આરોપીને બે વર્ષથી માંડીને દસ વર્ષની જેલની સજા થશે.
કોઇ વ્યક્તિ ધન-સંપત્તિની લાલચમાં પોતાનો ધર્મ છૂપાવીને લગ્ન કરશે તો એ પણ સજાપાત્ર ગુનો ગણાશે અને એ લગ્ન ફોક ગણાશે. સંબંધિત યુવાનને છેતરપીંડીના આરોપ બદલ સજા થશે.
મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ એવો દાવો કર્યો હતો કે અમે દેશમાં સૌથી મોટો અને સૌથી વધુ અસરકારક કાયદો બનાવ્યો છે. મધ્ય પ્રદેશ વિધાનસભાનું સત્ર 28 ડિસેંબરે શરૂ થશે. એમાં આ ખરડો મંજૂર કરાશે અને ત્યારબાદ એ કાયદો બનશે. આ કાયદો તરત અમલમાં આવશે. પોલીસને પૂરેપૂરી સ્વતંત્રતા આપવામાં આવી હતી.