હિમાચલ પ્રદેશમાં પણ લવ જિહાદ કાયદો લાગુ પડાયો
સીમલા, ઉત્તર પ્રદેશની સરકારે લાદેલા લવ જિહાદ વિરોધી કાયદાની નકલ કરીને હિમાચલ પ્રદેશની સરકારે પણ લવ જિહાદનો કાયો અમલમાં મૂક્યો હતો. માત્ર લગ્ન કરવા માટે કોઇ વ્યક્તિ ધર્માંતર નહીં કરી શકે એવી સ્પષ્ટતા આ કાયદામાં કરવામાં આવી હતી.
હિમાચલ પ્રદેશની સરકારે પણ યોગી આદિત્યનાથે જે જોગવાઇઓ અમલમાં મુકી છે એવીજ જોગવાઇ અમલમાં મૂકી હતી. ધર્માંતર કરવા પહેલાંતી કોઇ પણ વ્યક્તિએ સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવાની રહેશે. આવો એક કાયદો 2012માં હિમાચલ પ્રદેશની ત્યારની કોંગ્રેસ સરકાર લાવી હતી જેને હાઇકોર્ટે ગેરબંધારણીય અને મૂળભૂત અધિકારોના ભંગ સમાન ગણાવ્યો હતો. હવે મુખ્ય પ્રધાન જયરામ ઠાકુર આવો કાયદો અમલમાં લાવ્યા હતા.
ઉત્તર પ્રદેશની સરકારે રચેલો લવ જિહાદ વિરોધી કાયદો અન્ય ભાજપી રાજ્યો માટે અનુકરણીય બની રહ્યો હતો. હિમાચલ પ્રદેશે ડિટ્ટો ઉત્તર પ્રદેશ જેવો કાયદો ઘડીને ગયા સપ્તાહથી અમલમાં મૂકી દીધો હતો. હિમાચલ પ્રદેશના કાયદાની કલમ 7માં જણાવાયા મુજબ કોઇ વ્યક્તિ ધર્માંતર કરે એ પહેલાં ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટને લેખિત આપવું પડશે કે સ્વેચ્છાએ આમ કરે છે, કોઇના દબાણ હેઠળ કે પ્રલોભનથી આવું કરતો નથી.
2012ના ઑગષ્ટની 30મીએ હિમાચલ પ્રદેશની હાઇકોર્ટમાં બે જજોની બનેલી ડિવિઝન બેન્ચે ત્યારની કોંગ્રેસ સરકારે રચેલો આવો કાયદો ગેરબંધારણીય અને નાગરિકોના મૂળભૂત અધિકારો પર તરાપ સમાન ગણાવ્યો હતો. ત્યારબાદ એ કાયદાનું અકાળ મરણ થયું હતું. ન તો રાજ્ય સરકારે આ ચુકાદાને પડકાર્યો હતો કે ન તો કોઇ ખાનગી પાર્ટીએ ચુકાદા સામે અપીલ કરી હતી .એવી ચર્ચા પણ થઇ હતી કે કોઇ નાગરિક વહીવટી તંત્રને પોતાના ધર્મની માહિતી શા માટે આપે.
હિમાચલ પ્રદેશના હાલના કાયદામાં ધર્માંતરને સજાપાત્ર ગુનો બનાવાયો છે. પરવાનગી વિના ધર્માંતર કરનારને ત્રણ માસની અને ધર્માંતર કરાવનાર વ્યક્તિને છ માસથી માંડીને બે વર્ષની જેલની સજા કરવાની જોગવાઇ છે. ઉપરાંત એવી જોગવાઇ છે કે કોર્ટના વૉરંટ વિના પોલીસ આ કિસ્સાની તપાસ કરી શકે છે. 2006ના કાયદામાં બળજબરીથી ધર્માંતરની વાત હતી. આ કાયદામાં એવો ઉલ્લેખ નથી. લગ્ન માટે ધર્માંતરનો પણ ઉલ્લેખ નથી. પરંતુ આ નવા કાયદામાં બળજબરીથી ધર્માંતર કરાવવાને, લાલચ કે પ્રલોભનથી ધર્માંતર કરાવવાને, સાચી ઓળખ છૂપાવીને ધર્માંતર કરવાને પણ સજાપાત્ર ગુનો બનાવાયો હતો.