Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદી આંદોલનમાં ભાગલા પાડવા પ્રયાસ કરી રહ્યા છે : ખેડૂત નેતાઓ

નવી દિલ્હી, વડાપ્રધાન મોદી નવા કૃષિ કાયદાઓ મુદ્દે દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહેલા અને દેશભરના ખેડૂતોમાં ભાગલા પાડવાનો અને તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કરીને વડાપ્રધાન મુળ મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવા માગે છે. તેઓ એમએસપી મુદ્દે કાયદાકીય ખાતરીની માગણી કરી રહ્યા છે તેમ ખેડૂત નેતાઓએ શુક્રવારે જણાવ્યું હતું.

દેશના ખેડૂતોને વડાપ્રધાન મોદીના સંબોધન પછી પ્રતિક્રિયા આપતાં આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. રાજકીય પક્ષો તેમનો રાજકીય એજન્ડા આગળ વધારવા ખેડૂત આંદોલનનો દુરુપયોગ કરી રહ્યા હોવાના વડાપ્રધાનના આક્ષેપ અંગે ખેડૂત નેતા અભિમન્યુ કોહરે જણાવ્યું હતું કે, ખેડૂત સંગઠનોએ કોઈપણ રાજકીય પક્ષને તેમના મંચનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી તેમ છતાં વડાપ્રધાન ખોટા આક્ષેપો કરી રહ્યા છે. સરકાર મૂળ મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવા માગે છે.

કોહરે ઉમેર્યું હતું કે, રાજકીય પક્ષો દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાનો વડાપ્રધાનનો દાવો ખોટો છે. અમે મહિનાઓથી દિલ્હી સરહદે દેખાવો કરી રહ્યા છીએ. અમારા દેખાવો રાજકીય નથી. કોહરે ઉમેર્યું કે, વડાપ્રધાને તેમના સંબોધનમાં એ ન જણાવ્યું કે નવા કૃષિ કાયદા કેવી રીતે ખેડૂતો માટે લાભદાયક છે. તમે માત્ર કાયદા સારા છે તેમ કહીને છટકી શકો નહીં. તમારે તે કેવી રીતે ખેડૂતો માટે સારા છે તે પણ પૂરવાર કરવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.