ગુજરાતની નવી પોલિસીથી ઉદ્યોગોને પાવર કોસ્ટ 4.5 રૂ. પ્રતિ યુનિટ થશે
ભારતમાં સૌ પ્રથમ સોલારની ઓપન પોલિસી ગુજરાતની બનશે: મુખ્યમંત્રી
ગુજરાત સોલાર પાવર પોલિસી 2021થી ઉદ્યોગોની પાવર કોસ્ટ નીચી આવશે, ગુજરાતની પ્રોડક્ટને દૂનિયામાં સ્થાન મળશે, આપણા ઉદ્યોગો વધુ ધમધમતા થશે જેનાથી વધુ પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. એટલે કે ઉદ્યોગોની સાથે સાથે સામાન્ય માણસને પણ લાભ થશે.
આ પોલિસીથી આવનારા દિવસોમાં મેડ ઈન ગુજરાત વિશ્વભરમાં છવાઈ જશે. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે ગુજરાતમાં રજૂ કરવામાં આવેલી આ પોલિસી ભારતની પ્રથમ સોલાર પોલિસી છે. આ પોલિસી પાંચ વર્ષ માટે રહેશે. પોલિસીના મુખ્ય ત્રણ ફાયદા થશે. આ પોલિસીથી વીજળી ઉત્પાદન ખર્ચ ઓછો થશે. દુનિયામાં ગુજરાતની પ્રૉડક્ટ્સને સ્થાન મળશે અને નાના-મોટા ઉદ્યોગો ધમધમતા થવાથી રાજ્યમાં મોટાપાયે રોજગારી ઊભી થશે.
આ પોલિસી આગામી પાંચ વર્ષ સુધી અમલી રહેશે. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે આ પોલિસીને કારણે ગુજરાતના નાના અને મોટા ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે. આ પોલિસીને કારણે ઉત્પાદન ખર્ચ ઓછો આવશે. નવી પોલિસીથી પાવર કોસ્ટ લગભગ 4.5 રૂપિયાની આસપાસ આવશે. હાલ ઉદ્યોગોને આઠ રૂપિયા પ્રતિ યુનિટ લેખે વીજળી આપવામાં આવી રહી છે. નાના ઉદ્યોગકારો અને મોટા ઉદ્યોગકારોને પાવર કોસ્ટ નીચી આવવાના કારણે પ્રોડકશન કોસ્ટ પણ નીચી આવશે.
આ ઉપરાંત કોઈ પણ નાના મોટા ઉદ્યોગો પોતાની કેપેસીટી કરતાં વધુ વિજળીનું ઉત્પાદન કરીને રાજ્ય સરકારને વેચી શકશે. એટલે કે હવે ગમે તેટલા કીલો વોટની સોલાર સિસ્ટમ ઉદ્યોગો લગાવી શકશે. આ ઉપરાંત ઉદ્યોગો કે રહેઠાણની જગ્યા ભાડે આપીને પણ વિજળીનું ઉત્પાદન કરી શકાશે.
મંત્રી સૌરભ પટેલે જણાવ્યુ હતું કે, હાલમાં 2300 મેગા વોટ જેટલી સોલારની અરજીઓ મળી છે. આ ઉપરાંત તમારી જગ્યા ભાડા પટ્ટે પણ ડેવલોપરને આપી શકાશે. જેના દ્વારા વિપુલ પ્રમાણમાં સૌર ઉર્જાનું નિર્માણ થઈ શકશે. રીન્યુએબલ સોલાર એનર્જીમાં આટલી બધી છૂટછાટો આપનાર ભારતનું ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ નિતીનું અનુકરણ બીજા રાજ્યો પણ કરશે તેવી આશા તેમણે દર્શાવી હતી.
હાલમાં સરકાર 1.99 રૂપિયા બિડીંગ દ્વારા લઈ રહી છે છતાં પણ પાંચ વર્ષ સુધી રેસીડેન્સીયલ સોલાર માટે ગ્રાહકોને 26 પૈસા જેટલું યુનિટ દીઠ નુકશાન કરીને 2.25 રૂ. પ્રમાણે આપી રહી છે.