Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ 100મી કિસાન રેલને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

કૃષિ ઉપજોમાં મૂલ્ય વર્ધન સંબંધિત પ્રસંસ્કરણ ઉદ્યોગ અમારી પ્રાથમિકતા છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધીના રૂટ પર 100મી કિસાન રેલને લીલીઝંડી બતાવી તેનું પ્રસ્થાન કરાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર અને શ્રી પીયૂષ ગોયલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રીએ કિસાન રેલને દેશમાં ખેડૂતોની આવક વધારવાની દિશામાં એક મોટું પગલું ગણાવી હતી. તેમણે કોરોના મહામારી દરમિયાન પણ છેલ્લા 4 મહિનામાં 100 કિસાન રેલનો પ્રારંભ થયો હોવા અંગે ખુશી વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, આ સેવા કૃષિ સંબંધિત અર્થતંત્રમાં મોટું પરિવર્તન લાવશે અને તેનાથી દેશમાં કોલ્ડ પૂરવઠા શ્રૃંખલાની મજબૂતી હજુ પણ વધશે. તેમણે ઉમેર્યું હતું કે, કિસાન રેલ દ્વારા પરિવહન માટે કોઇ જ લઘુતમ જથ્થો નિર્ધારિત કરવામાં આવ્યો નથી તેથી એકદમ નાનામાં નાના જથ્થામાં પણ ઉપજનું પરિવહન કરીને ખૂબ ઓછા ખર્ચે મોટા બજાર સુધી તેને પહોંચાડી શકાશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કિસાન રેલ પરિયોજના માત્ર ખેડૂતોની સેવા કરવા માટે સરકારની કટિબદ્ધતા દર્શાવે છે એવું નથી પરંતુ આપણા ખેડૂતો નવી સંભાવનાઓ માટે કેટલા ઝડપથી તૈયાર રહે છે તેનો પણ આ પુરાવો છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો હવે તેમનો પાક અન્ય રાજ્યોમાં પણ વેચી શકે છે

જેમાં ખેડૂતોની રેલ (કિસાન રેલ) અને કૃષિ ફ્લાઇટ્સ (કિસાન ઉડાન) ખૂબ જ મોટી ભૂમિકા નિભાવે છે. તેમણે કહ્યું હતું કે, કિસાન રેલ ઝડપથી બગડી શકે તેવી ચીજો જેમ કે, ફળો, શાકભાજી, દૂધ, માછલી વગેરેનું પરિવહન કરવા માટે હરતાફરતા કોલ્ડ સ્ટોરેજ છે. તેમણે ઉમેર્યું હતું કે, “ભારતમાં સ્વતંત્રતા પહેલાંના સમયથી હંમેશા રેલવેનું ખૂબ વિશાળ નેટવર્ક રહ્યું છે. કોલ્ડ સ્ટોરેજની ટેકનોલોજી પણ ઉપલબ્ધ હતી જ. માત્ર હવે કિસાન રેલના માધ્યમથી આ તાકાતનો યોગ્ય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કિસાન રેલ જેવી સુવિધાઓએ પશ્ચિમ બંગાળના લાખો નાના ખેડૂતોને ખૂબ જ મોટી સુવિધા પૂરી પાડી છે. આ સુવિધા ખેડૂતો તેમજ સ્થાનિક નાના વેપારીઓ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોના જ્ઞાન અને અન્ય દેશોના અનુભવો તેમજ નવી ટેકનોલોજીને ભારતના કૃષિક્ષેત્રમાં સંમિલિત કરવામાં આવી રહ્યાં છે.

રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં ઝડપથી બગડી શકે તેવી ચીજોના સંગ્રહ માટે કાર્ગો સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જ્યાં ખેડૂતો તેમની ઉપજનો સંગ્રહ કરી શકે છે. આ પ્રયાસો શક્ય હોય ત્યાં સુધી વધુ સંખ્યામાં ફળો અને શાકભાજીનો જથ્થો વધુમાં વધુ પરિવારો સુધી પહોંચાડવા માટે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વધારાની ઉપજ જ્યુસ, અથાણા, સોસ, ચીપ્સ વગેરે ચીજવસ્તુઓના ઉત્પાદનમાં સંકળાયેલા ઉદ્યોગસાહસિકો સુધી પહોંચવી જોઇએ.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સરકારની પ્રાથમિકતા સંગ્રહ સાથે સંકળાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ ઉપજોમાં મૂલ્ય વર્ધન સાથે જોડાયેલા પ્રસંસ્કરણ ઉદ્યોગ પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું હતું કે, અંદાજે 6500 આવી પરિયોજનાઓને પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના અંતર્ગત મેગા ફુડ પાર્ક, કોલ્ડ ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ પ્રસંસ્કરણ ક્લસ્ટર હેઠળ મંજૂરી આપવામાં આવી છે. આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ રૂ. 10000 કરોડ સુક્ષ્મ ખાદ્ય પ્રસંસ્કરણ માટે ફાળવવામાં આવ્યા છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ગ્રામીણ લોકો, ખેડૂતો અને યુવાનોની સહભાગીતા અને સહકારના કારણે જ સરકારના પ્રયાસોને સફળતા મળી રહી છે. ખેડૂત ઉત્પાદન સંઘો (FPO) અને મહિલા સ્વ-સહાય સમૂહ જેવી સહકારી મંડળીઓને કૃષિ વ્યવસાયમાં અને કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

તાજેતરમાં કરવામાં આવેલા સુધારાઓથી કૃષિ વ્યવસાય અને આ સમૂહોને સૌથી મોટો લાભ થશે. કૃષિ ક્ષેત્રમાં ખાનગી રોકાણ આવવાથી આ સમૂહોને મદદ કરવાના સરકારના પ્રયાસોમાં વધુ સહકાર મળી રહેશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “અમે ભારતીય કૃષિ અને ખેડૂતોને વધુ મજબૂત બનાવવાના માર્ગે સંપૂર્ણ સમર્પણ સાથે આગેકૂચ કરવાનું ચાલુ જ રાખીશું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.