અનુપમ ખેર સ્કૂટી પર મસૂરીના રસ્તા પર ફરતા જાેવા મળ્યા
મુંબઈ: ઉત્તરાખંડમાં કુદરતે છુટા હાથે કુદરતી સૌંદર્ય વેરેલું છે. ઉત્તરાખંડમાં જ કેટલીક ફિલ્મ્સનું શૂટિંગ પણ થયુ છે. હાલ અનુપમ ખેર પણ પોતાનો અપકમિંગ પ્રોજેક્ટ કાશ્મીર ફાઈલ્સ માટે મસૂરીમાં છે. મસૂરી પણ ઉત્તરાખંડનું એક ફેમસ હિલ સ્ટેશન છે. અહીં વિકેન્ડ અને રજાઓ હોવાથી પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.
જેને લઈને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક જામ હોવાના કારણે અનુપમ ખેર પણ ફસાઈ ગયા હતાં. જેથી તેણે સ્કૂટી પર જઈ રહેલા યુવકને રોકીને લિફ્ટ માગી હતી. આ પછીથી તેણે સ્કૂટીની રાઈડ ખૂબ જ મસ્તીથી એન્જાેય કરી હતી
અને સાથે જ વિડીયો તો ઉતાર્યો અને કમેન્ટ્રી કરીને યુવક સાથે પણ મજેદાર સવાલજવાબ કર્યા હતાં. સ્કૂટીથી જ તે કિંગક્રેગથી લાઈબ્રેરી ચોક સુધી ગયા હતાં.
અનુપમ ખેરે સ્કૂટી ચાલકને તેનું નામ પૂછ્યું હતું. યુવકે પોતાનું નામ હિમાંશુ જણાવ્યું હતું. અનુપમ ખેરે હિમાંશુને પૂછ્યું હતું કે અનુપમ ખેર તમારી સાથે બેઠા છે. તમને કેવું લાગી રહ્યું છે? જેના પર હિમાંશુએ જણાવ્યું કે તે ખૂબ જ ઉત્સાહિત છે. નોંધનીય છે કે રવિવારે લંઢૌર અને લાલટિબ્બા જતા રસ્તા પર પર્યટકોને ખૂબ જ પરેશાની વેઠવી પડી હતી.
લંઢોર બજારમાં જગ્યા-જગ્યાએ અવ્યવસ્થિત વાહન પાર્ક કરેલા હોવાના કારણે સ્થાનિકો અને પર્યટકોને ખૂબ જ પરેશાની વેઠવી પડી હતી.