હર્ષે NCBના દરોડાની બિગ બોસમાં મજાક ઊડાવી
તેણે કોમેડીનો પંચ મારતા કહ્યું કે, સવાર-સવારમાં હું આવી ગયો. કારણ કે આજકાલ મારા ઘરે પણ લોકો સવાર-સવારમાં આવી જાય છે અને કંઈક કરીને જતા રહે છે.
મુંબઈ: બિગ બસ ૧૪માં ગત વીકએન્ડ કા વાર એપિસોડ ક્રિસમસ સેલિબ્રેશન અને સલમાન ખાનના નામે રહ્યો. કારણ કે ૨૫મી ડિસેમ્બરે ક્રિસમસનો તહેવાર હતો અને ૨૭મી ડિસેમ્બરે સલમાન ખાનનો જન્મદિવસ. આ ખાસ દિવસ પર રવીના ટંડનથી લઈને જેક્લીન ફનાર્ન્ડિસ તેમજ શહેનાઝ ગિલથી લઈને હર્ષ લિંબાચિયાએ શોમાં આવીને ઘરવાળાનું મનોરંજન પૂરુ પાડ્યું.
આ ક્રમમાં હર્ષ શોમાં ગર્વિત પારીકની સાથે કોમેડીનો ડોઝ આપવા માટે પહોંચ્યો હતો. પરંતુ વાત-વાતમાં તેણે પોતાના ઘર પર એનસીબીએ પાડેલા દરોડાની પણ મજાક ઉડાવી હતી.
ઉલ્લેખનીય છે કે,નવેમ્બર મહિનાના અંતમાં હર્ષ લિંબાચિયા અને તેની પત્ની ભારતી સિંહની એનસીબીએ ડ્રગ્સનું સેવન કરવાના ગુનામાં ધરપકડ કરી હતી. તેમના ઘર તેમજ ઓફિસમાં પાડવામાં આવેલા દરોડમાં થોડી માત્રામાં ગાંજાે પણ ઝડપાયો હતો. હર્ષ બિગ બોસના ઘરમાં સવાર-સવાર પહોંચ્યો હતો.
આ દરમિયાન તેણે કોમેડીનો પંચ મારતા કહ્યું કે, સવાર-સવારમાં હું આવી ગયો. કારણ કે આજકાલ મારા ઘરે પણ લોકો સવાર-સવારમાં આવી જાય છે અને કંઈક કરીને જતા રહે છે.
હર્ષની વાત જ્યાં મોટાભાગના લોકોને સમજ આવી નહીં, તો અલી ગોની અને રાહુલ વૈદ્ય તેના પંચને સમજી ગયા હતા. અને આવું એટલા માટે કારણ કે આ બંને કન્ટેસ્ટન્ટ બિગ બોસના ઘરમાંથી બેઘર થયા બાદ પરત આવ્યા છે. ૨૧મી નવેમ્બરે એનસીબીએ ભારતી અને હર્ષના ઘરે દરોડા પાડ્યા હતા.
આ દરમિયાન ઘર અને ઓફિસમાંથી ૮૬.૫ ગ્રામ ગાંજાે જપ્ત કર્યો હતો. એનસીબીએ કરેલી પૂછપરછમાં કપલે પોતે પણ ડ્રગ્સનું સેવન કર્યું હોવાનું સ્વીકાર્યું હતું અને બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. બંને બે દિવસ સુધી જેલમાં રહ્યા હતા અને બાદમાં કોર્ટે તેમને જામીન આપ્યા હતા. હાલ તેઓ જામીન પર બહાર છે.