પીએમ મોદી કયારેક ટાગોર બનવા માંગે છે તો ક્યારેક ગાંધીજી: મમતા બેનરજી
કલકત્તા, પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે પદયાત્રા થકી શક્તિ પ્રદર્શન કર્યુ હતુ.
પદયાત્રા બાદ એક રેલીને સંબોધન કરતા મમતા બેનરજીએ ભાજપને ચેલેન્જ આપતા કહ્યુ હતુ કે, પહેલા બંગાળમાં 30 બેઠકો જીતી બતાવે અને બાદમાં 200 કરતા વધારે બેઠકો જીતવાનુ સપનુ જુએ.આજકાલ ભાજપના લોકો દર સપ્તાહે બંગાળમાં આવે છે અને ફાઈવ સ્ટાર હોટલનુ ખાવાનુ મંગાવીને આદિવાસીના ઘરે ખાય છે.અમે 365 દિવસ ગુરુદેવ ટાગોર સાથે છે.ભાજપ બોગસ વિડિયો વાયરલ કરીને સમાજમાં ભાગલા પડાવી રહી છે.
મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, આજકાલ કોઈએ નવુ રુપ ધારણ કર્યુ છે.ક્યારેક તે ટાગોર બનવા માંગે છે તો ક્યારેક ગાંધીજી બનવા માંગે છે.ભાજપના લોકો કેન્દ્રીય એજન્સી અને પૈસાના જોર પર બંગાળમાં ઘૂસણખોરી કરી રહ્યા છે.ભાજપના જે નેતાઓ દિલ્હીથી આવી રહ્યા છે તેમને ગુરુદેવ અંગે કશી ખબર નથી.વિશ્વ ભારતી યુનિવર્સિટીને રાજકારણમાં ખેંચવામાં આવી રહી છે અને બંગાળમાં નફરતની રાજનીતિને હવા અપાઈ રહી છે.ચૂંટણી પહેલા ભાજપ પૈસા વહાવી રહી છે.બંગાળના કલ્ચર પર નિશાન સાધવામાં આવી રહ્યુ છે.કેટલાક ધારાસભ્યો ખરીદીને ટીએમસીને તોડી નાંખીશું તેવુ ભાજપને લાગી રહ્યુ છે પણ એવુ નથી થવાનુ.
આ સભા પહેલા મમતા બેનરજીએ પાંચ કિલોમીટર લાંબી પદયાત્રા કાઢી હતી અને તેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો.