Western Times News

Gujarati News

પટનામાં કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂતોની રેલી ઉપર પોલિસનો લાઠીચાર્જ

Patna: Police baton charge on All India Kisan Sangharsh Coordination Committee activists during their Raj Bhawan march against Centre's farm reform laws, in Patna, Tuesday, Dec. 29, 2020. (PTI Photo) (PTI29-12-2020_000078B)

પટના, કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ નવા કૃષિ કાયદોનો ખેડૂતો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. જેની સૌથી વધારે અસર પંજાબ અને હરિયાણામાં દેખાઇ રહી છે. આ ઉપરાંત છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી દિલિહીની સરહદ ઉપર ખેડૂતો આવીને બેઠા છે અને કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે આ ખેડૂત આંદોલનના પડઘા બિહારમાં પણ સંભળાયા છે.

બિહારની રાજધાની પટનામાં મંગળવારે મોટી સંખ્યામાં ખેડૂતોએ કૃષિ બિલના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતું. સેંકડોની સંખ્યામાં ખેડૂતો આ પ્રદર્શનમાં જોડાયા હતા. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ તેમજ ડાબેરી પાર્ટીઓના આહ્વાન ઉપર ખેડૂતો કૃષિ કાયદાના વિરોધ માટે એકઠા થયા હતા. કૃષિ કાયદાને પરત લેવાની માંગ સાથે ખેડૂતોએ રાજભવન તરફ માર્ચ કરી હતી. તે સમયે પોલિસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. જેની અંદર અનેક લોકો ઘાયલ થયા છે.

ગાંધી ભવનથી રાજભવન જવા નિકળેલી ખેડૂતોની આ રેલીને પોલિસે ડાક બંગલા પાસેના ચોક ઉપર રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ સેંકડોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ પોલિસની વાત ના માની અને કૂચ શરુ રાખી. ત્યારબાદ પોલિસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું અને બાદમાં પોલિસે તેમના ઉપર લાઠીચાર્જ કર્યો. પોલીસે જેવો લાઠીચાર્જ શરુ કર્યો ત્યાં ભાગદોડ મચી ગઇ. લાઠીચાર્જથી બચવા માટે ખેડૂતો આમથી તેમ ભાગવા લાગ્યા. કેટલીક મહિલાઓ પણ આ રેલીમાં હતી, તેમને પણ ઇજા પહોંચી છે.

પોલીસનું કહેવું છે કે પ્રદર્શનકારી ખેડૂતે તેમના ઉપર પથ્થરો ફેંક્યા, જેના જવાબમાં તેમને લાઠીચાર્જ કરવાની ફરજ પડી. ઉલ્લેખનીય છે કે આવતી કાલે સરકાર અને 40 ખેડૂત સંગઠનો વચ્ચે બેઠક યોજાનાર છે, જેમાં આ સમસ્યાનું કોઇ સામાધાન નિકળશે તેવી આશા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.