UKથી પાછા ફરેલા અનેક લોકો ટ્રેસ ન થઈ શકતા ચિંતાજનક સ્થિતિ
નવી દિલ્હી: ભારતમાં ના નવા યુકે વેરિએન્ટના દેશમાં ઓછામાં ઓછા ૨૦ કેસ જાેવા મળ્યા છે. બ્રિટનથી આવેલા ૨૦ લોકો કોરોના વાયરસના નવા પ્રકારની ઝપેટમાં આવી ગયા છે. આ તમામ લોકોને સંબંધિત રાજ્યોના હેલ્થ સેન્ટર કેન્દ્રોમાં સિંગલ આઈસોલેશન રૂમમાં રાખ્યા છે. આ સાથે જ ભારત પણ હવે એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે
જ્યાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ સામે આવી ચૂક્યા છે. આ ઉપરાંત ડેનમાર્ક, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, ફ્રાન્સ, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, સ્પેન, કેનેડા, જર્મની, લેબનોન, જાપાન અને સિંગાપુરમાં પણ યુકેવાળા સ્ટ્રેનના કેસ જાેવા મળ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દિલ્હીમાં કોરોનાના નવા સ્ટ્રેનના ૯ કેસ નોંધાયા છે.
ઉત્તર પ્રદેશની ૨ વર્ષની બાળકી સહિત કર્ણાટકમાં ૩, આંધ્ર પ્રદેશમાં ૩ અને તમિલનાડુમાં ૧ વ્યક્તિમાં નવા પ્રકારનો સ્ટ્રેન જાેવા મળ્યો છે. બ્રિટનમાં કોરોનાનો નવો પ્રકાર સામે આવ્યા પછી સરકારે ૨૩મી ડિસેમ્બરથી બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
જાે કે, ૨૫મી નવેમ્બરથી ૨૩મી ડિસેમ્બર વચ્ચે ભારતમાં ૩૩ હજારથી વધુ પ્રવાસીઓ યુકેથી ભારતના વિવિધ એરપોર્ટ પર આવ્યા હતા. કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને બધા જ પ્રવાસીઓને શોધવાની અને તેમના આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની કામગીરી હાથ ધરી છે.
જેમાં અત્યાર સુધી નવા કોરોના વાયરસની ઝપેટમાં આવેલા ૨૦ લોકો સામે આવ્યા છે. આ બાજુ કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે, રસી આ નવા પ્રકારના વાયરસ પર અસરકારક છે. સ્થિતિની ગંભીરતા જાેતા યુકેની ફ્લાઈટ પર હજુ પ્રતિબંધ લંબાવી શકાય છે. જે ૨૦ કેસ મળ્યા છે, તેમાં યુપીની બાળકી ઉપરાંત આંધ્ર પ્રદેશની એક ૪૭ વર્ષની મહિલા પણ સામેલ છે. જે ગત અઠવાડિયે દિલ્હી એરપોર્ટ અધિકારીઓને ચકમો આપીને ફરાર થઈ ગઈ હતી.
આ મહિલા ૨૨ ડિસેમ્બરે નવી દિલ્હીથી વિશાખાપટ્ટનમ માટે ટ્રેનમાં બેઠી અને પોતાનો મોબાઈલ બંધ કરી દીધો. જેના કારણે તેને ટ્રેક કરવી મુશ્કેલ બની ગઈ. મહિલા ૨૪ ડિસેમ્બરે પોતાના ઘર રાજામુંદરી પહોંચી. જાે કે ત્યારબાદ તેને ટ્રેક કરીને ક્વોરન્ટિન કરી દેવાઈ. તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે.
તેનો પુત્ર જે સમગ્ર મુસાફરીમાં તેમની સાથે હતો તે નેગેટિવ આવ્યો છે. અધિકારીઓને બસ એ જ આશા છે કે આ મહિલા ૧૮૦૦ કિમી કિમીથી પણ વધુની મુસાફરી દરમિયાન કોઈ અન્યના સંપર્કમાં ન આવી હોય. ૪૭ વર્ષની મહિલામાં યુકેવાળો સ્ટ્રેન મળી આવતા આંધ્ર પ્રદેશમાં હાઈ અલર્ટની સ્થિતિ છે. રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીના જણાવ્યાં મુજબ વિભાગે અત્યાર સુધીમાં યુકેથી પાછા ફરેલા ૧૪૨૩ માંથી ૧૪૦૬ લોકોને ટ્રેસ કરી લીધા છે.
ઓડિશામાં પણ પરેશાની વધીગઈ છે. ભુવનેશ્વર નગર નિગમે યુકેથી પાછા ફરેલા ૭૪ વધુ લોકોની યાદી જાહેર કરી છે. આવા પ્રવાસીઓને શોધવા માટે છ ટીમો બનાવવામાં આવી છે. પરંતુ મુશ્કેલી એ છે કે જે પાછા ફરેલા છે, તેમના ફોન નંબર યુકેના સર્વિસ પ્રોવાઈડર્સના છે અને સ્વિચ ઓફ આવે છે. પુણે નગર નિગમને છેલ્લા ૧૫ દિવસમાં યુકેથી પાછા ફરેલા ૧૦૯ લોકોની કોઈ માહિતી મળી નથી. કેટલાકની કોન્ટેક્ટ ડિટેલ્સ છે અને કેટલાક ફોન ઉઠાવતા નથી.
ત્યારબાદ નગર નિગમે પોલીસની મદદ માંગી છે. અધિકારીઓનું કહેવું છે કે કેટલાક લોકો મુંબઈમાં લેન્ડ કરી ગયા અને કેટલાક બાય રોડ પુણે ગયા. ટીમે તેમનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ ટ્રેસ થઈ શક્યા નથી. પુણે નગર નિગમના પ્રોટોકોલ મુજબ પશ્ચિમ એશિયા અને યુરોપિયન દેશોથી પાછા ફરેલા લોકોએ પોતાના ખર્ચે સાત દિવસ સુધી નીકટની હોટલમાં ઈન્સ્ટિટ્યૂશ્નલ ક્વોરન્ટિન રહેવું પડશે.
૨૫ નવેમ્બરથી લઈને ૨૩ ડિસેમ્બરની મધરાત સુધી યુકેથી લગભગ ૩૩ હજાર ભારતીયો એરપોર્ટ્સ પર ઉતર્યા. નવા સ્ટ્રેનના જે લોકો મળ્યા છે તેમને સિંગલ રૂમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના નીકટના કોન્ટેક્ટ્સને પણ ક્વોરન્ટિન કરાયા છે. સાથી ટ્રાવેલર્સ, ફેમિલી કોન્ટેક્ટ્સ તથા અન્યનું પણ મોટા પાયે ટ્રેસિંગ અભિયાન શરૂ થયું છે. જીનોમ સિક્વેન્સિંગ પણ થઈ રહ્યું છે. યુકેથી પાછા ફરેલા ભારતીયોમાંથી કેટલાકની બેદરકારી સામે આવ્યા બાદ સરકારે અપીલ કરી છે કે તેઓ કોવિડ સંબંધિત નિયમોનું કડકાઈથી પાલન કરે.