Western Times News

Gujarati News

દમણથી ઘરે જતા સુધી ઢીંચનારાઓની ખેર નહીં

સુરત: વલસાડ પોલીસે નવા વર્ષની ઉજવણી કરીને દમણ અને અન્ય જગ્યાઓ પરથી નશામાં પરત ફરતા લોકોને ઝડપી પાડવા માટેની તૈયારીઓ કરી લીધી છે. ફરીને આવનારા કે જેઓ નશાની હાલતમાં પકડાય છે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, જેમાંથી કેટલાક તો સીધી રીતે ઉભા રહેવાની હાલતમાં પણ નથી હોતા.

પરંતુ આ વર્ષે પોલીસે સારી એવી તૈયારી અગાઉથી જ કરી લીધી છે. પોલીસ દ્વારા નક્કી કરેલી જગ્યા પર ૮ હોલ બૂક કરવામાં આવ્યા છે અને કપરાડા જેવી જગ્યા કે જ્યાં હોલ નથી મળ્યા ત્યાં મંડપ બાંધીને તૈયારી કરી રાખવામાં આવી છે. આ સિવાય એવા ૮ હોલ સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યા છે કે જ્યાં પીધેલા લોકોને રાખી શકાય.

પીધેલા લોકોને ઝડપી પાડવા માટે તૈનાત કરવામાં આવેલા પોલીસ કર્મીઓને કોરોના વાયરસના કારણે લોકોના મોઢા ના સૂંઘવાની પણ સલાહ આપવામાં આવી છે, વલસાડ પોલીસે ૧૮૬ બ્રેથ એનેલાઈઝર અને ૪૮,૦૦૦ માઉથપીસ ડ્યુબ તૈયાર રાખી છે, જેથી કોઈ પીધેલી હાલતમાં આવેલી વ્યક્તિ છટકી ના શકે.

પીધેલી હાલતમાં પકડાયેલા લોકોને જામીન ના મળે ત્યાં સધી હોલમાં બેસાડી રાખવામાં આવશે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશનમાં ટોળા ના થાય તે માટે હોલની વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯માં વલસાડ પોલીસ દ્વારા નવા વર્ષની મધ્ય રાત્રીએ ૧,૦૦૦ કરતા વધુ પીધેલી હાલતમાં આવેલા લોકોને પકડ્યા હતા.

જેમાંથી મોટાભાગના નજીકમાં આવેલા દમણ અને સેલ્વાસાથી પરત ફરી રહ્યા હતા. જાેકે, આ વખતે કોરોના વાયરસના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે. નશાની હાલતમાં ઝડપાયેલા લોકોની અટકાયત કરીને નિશ્ચિત જગ્યા પર લઈ જવા માટે ૧૫ જેટલી બસો પણ તૈયાર રાખવામાં આવી છે.

વલસાડના એસપી રાજેન્દ્રસિંહ ઝાલા કહે છે કે અમારું માનવું છે કે આ ટુરિસ્ટ પ્લેસ પર આ વર્ષે પાછલા વર્ષની સરખામણીએ ઓછા પ્રવાસીઓ આવશે, પરંતુ અમે તે દરેક નશાની હાલતમાં આવનારા લોકોને પકડી પાડવા માટે તૈયાર છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.