ઝઘડિયાના ભાલોદ ગામે ઈકો ચાલકે તેની ગાડી ઝાડ સાથે અથડાતા તેનું મોત નીપજ્યું
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: અકસ્માત દરમ્યાન ઈકો ચાલકની બાજુમાં બેઠેલા તેના પુત્રએ ઈકો ચાલક તેના પિતા વિરુદ્ધ ગફલત ભરી રીતે વાહન ચલાવવા બદલ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે રહેતા સચિન નવીનભાજ માંછી ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.તેમની પાસે એક ઈકો મોટરકાર છે. ગતરોજ સાંજના સમયે સચીન તથા તેના પિતા નવીનભાઈ તેમની ઈકો ગાડી લઈ ગામમાં આવેલા ગાયત્રી માતા મંદિરના કંપાઉન્ડમાં ગયા હતા.
કંપાઉન્ડમાં ગયા બાદ સચિને ઈકોગાડી તેના પિતા નવીનભાઈને ચલાવવા માટે આપી હતી અને સચીન ભાઈ બાજુની સીટ પર બેઠા હતા. નવીનભાઈ ઈકો ગાડી ચલાવતા દરમ્યાન ઈકો ગાડી પૂર ઝડપે ચલાવી દેતા મંદિરના કંપાઉન્ડમાં આવેલ આસોપાલવના ઝાડ સાથે ધડાકાભેર અથડાવી દીધી હતી.આ અકસ્માતમાં નવીનભાઈને છાતીના ભાગે મૂઢ માર વાગ્યો હતો.
નવીનભાઈને તાત્કાલિક સારવાર અર્થે અવિધા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા.તપાસ કરનાર તબીબે નવીનભાઈ માછી મરણ ગયા હોવાનું જણાવ્યું હતું.સચિન નવીનભાઈ માછી એ રાજપારડી પોલીસમાં તેના પિતા નવીનચંદ્ર ઈશ્વરભાઈ માછી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.