Western Times News

Gujarati News

ઝઘડિયાના તરસાલી તથા રુંઢ ગામનું ગટરનું દૂષિત પાણી રસ્તાઓ પર ફરી વળ્યું

બે ગામના દૂષિત પાણી છેલ્લા બે વર્ષથી ભાલોદની સીમમા ઠલવાઈ રહ્યા છે છતાં રજુઆત બાદ સ્થાનિક તંત્ર મૌન. 

બારેમાસ સીમના રસ્તા ઉપર પાણીના ખાડા ભરાઈ રહેતા શેરડીની ટ્રકો પસાર થતી નથી અને કાપણી બંધ થાય છે.

દિન ત્રણમાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગામના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે તાલુકા પંચાયત પર આવી ભૂખ હડતાલની ચીમકી.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના તરસાલી તથા રુંઢ ગામના દૂષિત પાણી ભાલોદ ગામમાં થઈ તેની સીમમાં પહોંચતા સીમમાં આવવા-જવા કરવા માટે વપરાતા રસ્તાઓ બગડયા છે.બારેમાસ દૂષિત પાણી વહેતું રહેવાના કારણે રસ્તા ઉપર લાંબા ગાળે ખાડાઓ ભરાઈ રહે છે. જેથી સીમમાં અવરજવર કરવા,વાહનો પસાર કરવા હાડમારીનો સામનો કરવો પડે છે.કાયમ પાણી ભરાઈ રહેતા શેરડીની ટ્રકો શેરડી ભરી પસાર થઈ શકતી નથી.

જેથી હાલમાં શેરડીની કાપણી પણ સુગર દ્વારા બંધ કરવામાં આવી છે.દૂષિત પાણી આટલી મોટી માત્રામાં ઠલવાતા રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે.આ બાબતે સ્થાનિક ગ્રામજનોએ સ્થાનિક પંચાયત તથા આજરોજ ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે.

ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના ખેડૂતો તથા સ્થાનિકોએ તરસાલી તથા રુંઢ ગામનું દૂષિત પાણી ગામની સીમમા જવાના ત્રણ રસ્તા ઉપર બારેમાસ વહેતા આજરોજ ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી તાત્કાલિક અસરથી આ દુષિત પાણી બંધ કરાવવા જણાવ્યું છે.

ગ્રામજનોએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે ભાલોદ ગામની સીમમાં છેલ્લા બે વર્ષથી તરસાલી તેમજ રુંઢ ગ્રામ પંચાયતનું ગટરનું દૂષિત પાણી ગામની સીમના ત્રણ મુખ્ય માર્ગ પરથી વહે છે.

ખેડૂતોને ઉત્પાદન કરેલ માલ જેમકે કેળા શેરડી શાકભાજી વગેરે આ રસ્તા પરથી વહન કરે છે. અત્યારે ભાલોદ ગામમાં શેરડીનું કટિંગ ચાલતું હોવાથી આ દૂષિત પાણીના લીધે શેરડી કેળાની ગાડી પસાર થઈ શકે તેમ નથી.

ખેડૂતોનો માલ તાત્કાલિક ધોરણે નીકળે એ માટે તાત્કાલિક અસરથી આ બંને ગામોનું ગંદુ પાણી બંધ કરવા જણાવાયું છે.તેમણે વધુમાં જણાવ્યું છે કે આ પાણી એટલું દૂષિત છે કે ખેડૂતો પગપાળા આ ગંદા પાણી માંથી પસાર થાય છે તો ચામડીના રોગો થાય છે જો દિન ત્રણમાં આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ભાલોદ ગામના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે તાલુકા પંચાયત પર આવી ભૂખ હડતાલ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

બારેમાસ દૂષિત પાણી વહેતું રહેવાના કારણે રસ્તા ઉપર લાંબા ગાળે ખાડાઓ ભરાઈ રહે છે. જેથી સીમમાં અવરજવર કરવા, વાહનો પસાર કરવા હાડમારીનો સામનો કરવો પડે છે. કાયમ પાણી ભરાઈ રહેતા શેરડીની ટ્રકો શેરડી ભરી પસાર થઈ શકતી નથી જેથી હાલમાં શેરડીની કાપણી પણ સુગર દ્વારા બંધ કરવામાં આવી છે.દૂષિત પાણી આટલી મોટી માત્રામાં ઠલવાતા રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે.આ બાબતે સ્થાનિક ગ્રામજનોએ સ્થાનિક પંચાયત તથા આજરોજ ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.