Western Times News

Gujarati News

IRCTCની નવી વેબસાઇટ લૉન્ચ કરાઈ

નવી વેબસાઇટથી દર મિનિટ ૧૦ હજારથી વધુ ટિકિટ બુક થઈ શકશે. આ પહેલા દર મિનિટે ૭૫૦૦ ટિકિટ બુક થઈ શકતી હતી.

નવી દિલ્હી: આઈઆરસીટીસીની વેબસાઇટ પર રોજના લાખો લોકો ટિકિટ બુક કરાવે છે, એવામાં અનેકવાર આ ઇ-ટિકિટિંગ વેબસાઇટ હેન્ગ થાય છે કે સ્લો થઈ જાય છે. જેના કારણે અનેકવાર ટિકિટ બુક થતા-થતાં ચૂકી જવાય છે. પરંતુ ભારતીય રેલ આઈઆરસીટીસી ઇ-ટિકિટિંગ વેબસાઇટ અને એપ બંનેને અપગ્રેડ કરવા જઈ રહી છે.

રેલવે મંત્રી પીયૂષ ગોયલ આ નવી વેબસાઇટને આજે લૉન્ચ કરી છે. નવી વેબસાઇટમાં ટિકિટ બુકિંગના વધુ ફ્રેન્ડલી ફીચર્સ હશે. અનેક પ્રકારના ફેરફારોની સાથે બુકિંગ પણ ઘણું ઝડપથી થશે. રેલ મંત્રાલયનું કહેવું છે કે આઈઆરસીટીસીની વેબસાઇટ અને એપ અપગ્રેડ થઈ ગયા બાદ યાત્રી પહેલાની તુલનામાં વધુ ઝડપી અને કોઈ અડચણ વગર ટિકિટ બુક કરી શકશે.

ભારતીય રેલે કહ્યું કે અમે અમારી ઇ-ટિકટિંગ વેબસાઇટમાં યૂઝર પર્સનલાઇઝેશન અને ફેસિલિટીને વધારવાનું કામ કરી રહ્યા છીએ. આઈઆરસીટીસીની નવી વેબસાઇટમાં યાત્રીઓ માટે વધુ સારા ફીચર્સ હશે,

જેનાથી ટિકિટ બુકિંગ સરળ થઈ જશે. ટિકિટ બુકિંગની સાથે ખાવાનું બુક કરવા માટે અલગથી ફીચર આપવામાં આવશે જેની મદદથી તમે પોતાની પસંદનું ખાવાનું બુક કરી શકો છો.

વધુ લોડ પડતાં પણ વેબસાઇટ હેન્ગ થવાની સમસ્યા નહીં થાય. વેબસાઇટમાં પહેલાની તુલનામાં વધુ જાહેરાતો હશે જેનાથી આઈઆરસીટીસીને વધુ રેવન્યૂ મળવાની શક્યતા છે. નવી વેબસાઇટથી દર મિનિટ ૧૦ હજારથી વધુ ટિકિટ બુક થઈ શકશે. આ પહેલા દર મિનિટે ૭૫૦૦ ટિકિટ બુક થઈ શકતી હતી.

આઈઆરસીટીસીએ એક નવું પોસ્ટ પેડ પેમેન્ટ ઓપ્શન પણ શરૂ કર્યું છે. આ સુવિધાથી આઈઆરસીટીસીની વેબસાઇટથી ટિકિટ બુક કરીને તેની ચૂકવણી બાદમાં કરી શકાય છે. તેમાં યાત્રી ટિકિટ બુક કરીને ઈ-પેમેન્ટ્‌સ દ્વારા ૧૫ દિવસની અંદર ચૂકવણી કરી શકે છે કે પછી ટિકિટની ડિલિવરીના ૨૪ કલાકની અંદર પણ પેમેન્ટ કરી શકાય છે.

રેલવેની ટિકટિંગ વેબસાઇટ આઈઆરસીટીસી ઓનલાઇન રિઝર્વેશનની સુવિધા પૂરી પાડે છે. રેલવે મુજબ, ૨૦૧૪ના બાદથી ટિકિટ બુકિંગની સાથોસાથ યાત્રીઓની સુવિધાને વધુ સારી બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.