ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન ગાયત્રી પ્રજાપતિને ત્યાં EDના દરોડા
લખનઉ, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અને સમાજવાદી પક્ષના માથાભારે ગણાતા નેતા ગાયત્રી પ્રજાપતિને ત્યાં એન્ફોર્સમેન્ટ ખાતાએ દરોડા પાડ્યા હતા. એમને ત્યાંથી 11 લાખ રૂપિયાની જૂની રદ થયેલી ચમણી નોટો મળી હતી. એમના ડ્રાઇવરના નામે મૂકાયેલા રૂપિયા 200 કરોડની વિગતો મળી હતી.
અગાઉથી મળેલી મની લોન્ડરીંગ કેસની બાતમીના આધારે ઇડીએ બુધવારે પ્રજાપતિના લખનઉના ઘરે તથા ઑફિસ સહિત કુલ છ સાત ઠેકાણે દરોડા પાડ્યા હતા. કેટલાક વાંધાજનક દસ્તાવેજો, પાંચ લાખના સ્ટેમ્પ અને બીજી ડઝનેક ગેરકાયે સંપત્તિના દસ્તાવેજો મળ્યા હતા.
આ પહેલાં મંગળવારે ઇડીએ ગાયત્રીના પુત્રની ઑફિસમાં, એમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં, અમેઠીમાં વસતા ગાયત્રીના ડ્રાઇવરને ત્યાં એમ ચાર પાંચ સ્થળે દરોડા પાડ્યા હતા. અહીંથી પણ ઇડીને કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળ્યા હતા જેમાં બેનંબરી મિલકતના પુરાવા પણ હોવાનું કહેવાય છે. લખનઉમાં ઇડીને મોદી સરકારે રદ કરેલી જૂની નોટો મળી હતી જે 11 લાખ રૂપિયાની હતી.. મહારાષ્ટ્રના પૂણેમાં પ્રજાપતિની કરોડોની સંપત્તિ છે એના દસ્તાવેજો પણ ઇડીએ કબજે કર્યા હતા. સાથોસાથ લખનઉમાં પ્રજાપતિની એકસો એકર જમીન હોવાના દસ્તાવેજો સાંપડ્યા હતા. પ્રજાપતિના પુત્રે ઊભી કરેલી બોગસ કંપનીઓની યાદી પણ હાથમાં આવી હતી. એમાં પણ કરોડો રૂપિયાની બેહિસાબી સંપત્તિની વિગતો હતી.
વાસ્તવમાં ગયા વર્ષના ઑગષ્ટમાં ગાયત્રીની સામે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. ત્યારથી ગાયત્રી પ્રજાપતિ અને એમનો મોટો પુત્ર જેલમાં છે.
યોગી આદિત્યનાથે સત્તા પર આવતાં વેંત ઉત્તર પ્રદેશના માફિયા ડૉન અને માથાભારે નેતાઓની સંપત્તિ કબજે કરીને તેમના કાળાં કાર્યો ખુલ્લા પાડવાની શરૂઆત કરી હતી. એ ઝુંબેશ હજુ પણ ચાલુ છે. મોટા ભાગના બાહુબલિ કહેવાતા નેતાઓ અને માફિયા ડૉનની કરોડો રૂપિયાની સંપત્તિ પર દરોડા પાડીને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં સંબંધિત નેતા કે માફિયાને જેલભેગા કરાયા હતા.