Western Times News

Gujarati News

મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં કરાયો દાવો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં સૌથી સ્વીકાર્ય નેતા

નવી દિલ્હી, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી સ્વીકાર્ય નેતા હોવાનો દાવો એક સર્વેમાં કરવામાં આવ્યો હતો.

દુનિયાના તમામ નેતાઓના કાર્યકાળ પર નજર રાખવાનો દાવો કરતી ડેટા ફર્મ મોર્નિંગ કન્સલ્ટે એેવો દાવો કર્યો હતો કે અમે હાથ ધરેલા સર્વેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ સ્વીકાર્ય નેતા તરીકે પસંદ થયા હતા.

પંચાવન ટકા મતદાતાએ નરેન્દ્ર મોદીને સૌથી વધુ સ્વીકાર્ય નેતા તરીકે મત આપ્યા હતા.

આ સર્વેમાં એવો દાવો કરાયો હતો કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 75 ટકા લોકોએ સમર્થન આપ્યું હતું, વીસ ટકા લોકોએ એમને પસંદ કર્યા નહોતા એટલે સૌથી વધુ સ્વીકાર્ય નેતા તરીકે એમનો કુલ સ્વીકૃતિ રેટ 55 ટકાનો રહ્યો હતો.

દુનિયાના અલગ અલગ દેશના નેતાઓની તુલનાએ મોદીને મળેલા વોટ વધુ હોવાથી તેમને વિશ્વના સૌથી વધુ સ્વીકાર્ય નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હૉન્સનનો સ્વીકાર રેટિંગ નકારાત્મક રહ્યો હતો એટલે કે એમને સમર્થન આપનારા લોકો કરતાં એમને નાપસંદ કરનારા મતદાતાઓ વધુ હતા. મોર્નિંગ કન્સલ્ટના દાવા મુજબ ભારતમાં સર્વેક્ષણ દરમિયાન નમૂનાનો આકાર 2,126 રહ્યો એટલે સર્વેમાં ભૂલની શક્યતા માત્ર 2.2 ટકા હતી.

અમારો સર્વે નિષ્પક્ષ અને સ્વતંત્ર હતો. 2020ના વર્ષમાં કયા દેશના નેતાએ કેવી કામગીરી કરી એનેા આ સર્વે હતો. એ માટે દરેક દેશના નેતાને એક ચોક્કસ રંગમાં ઢાળી દેવામાં આવ્યા હતા અને એનો ગ્રાફ તૈયાર કરાયો હતો.

જો કે અન્ય દેશોના વડાઓની શી સ્થિતિ હતી એ વિશે આ સર્વે કરનારાઓએ કોઇ વિગત જાહેર કરી નહોતી એટલે ટીકાખોરો એમ પણ કહી શકે કે આ સર્વે તો નરેન્દ્ર મોદીની તરફેણમાં કરાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.