બે મુદ્દા પર સમાધાન છતાં ખેડૂતોનું દિલ્હી બોર્ડર ઉપર વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી, દિલ્હીની સરહદ પર હજારો ખેડૂતો ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ૨૦૨૧ના પ્રથમ દિવસે પણ તેમનું આંદોલન યથાવત્ છે અને ખેડૂતો કડકડી ઠંડીમાં પણ મક્કમ જણાઈ રહ્યા છે. સરકાર સાથે થયેલી તાજેતરની બેઠકમાં ચાર પૈકીના બે મુદ્દાઓ પર સમાધાન સાધવામાં આવ્યું હતું. જાે કે ખેડૂતો બીજા બે મુદ્દાઓ પર પણ પીછેહઠ કરવાના મૂડમાં નથી. ખેડૂતો ૨૬ નવેમ્બરથી સિંધુ, ગાઝીપુર અને ટિકરી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
સંયુક્ત કિસાન મોરચા દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે બેઠક યોજાશે અને તેઓ આગામી રણનીતિ પર ચર્ચા કરશે.
વરિષ્ઠ ખેડૂત નેતા ગુરનામ સિંહ ચદૌનીએ જણાવ્યું હતું કે, ખેડૂતો ટેકાના ભાવ પર લીગલ ગેરેન્ટી અને નવા કૃષિ કાયદા પરત ખેંચવાની બે માંગ પર કોઈપણ કાળે પીછેહઠ કરવા તૈયાર નથી. તાજેતરની બેઠકમાં કેન્દ્ર સરકારે બે માંગો કૃષિ કાયદામાં પરાળ બાળવા પર ખેડૂતો સામે ગુનો નોંધવાની જાેગવાઈને પડતી મુકવા તેમજ પ્રસ્તાવિત સંશોધિત વિજ કાયદાને સ્થગિત રાખવા તૈયારી દર્શાવી હતી. ખેડૂતો તેમની બીજી બે માંગો પર અડગ છે અને તેનો કોઈ જ વિકલ્પ નથી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ સમિતિએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે કેન્દ્રની કૃષિ કાયદાને રદ કરવા માટે ખેડૂતો પાસે અન્ય વિકલ્પની અપીલ અસંભવ છે. નવા કાયદાને લીધે કૃષિ બજારો, ખેડૂતોની જમીન તેમજ ફૂડ ચેઈનનું સંચાલન કોર્પોરેટ્સના હાથમાં જશે. નોંધનીય છે કે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મંત્રીઓ અને ૪૧ ખેડૂત પ્રતિનિધિઓ સાથેની છઠ્ઠા તબક્કાની બેઠક બાદ જણાવ્યું હતું કે ચાર પૈકી બે મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે. તોમરે વધુમાં ઉમેર્યું હતું કે ખેડૂત નેતાઓ સાથે આગામી બેઠક ૪ જાન્યુઆરીએ યોજાશે. હવે ખેડૂતો પોતાના બીજા બે વિકલ્પ પર અડગ હોવાનું જણાતા સરકાર સાથે વાટાઘાટ સફળ થશે કે મડાગાંઠ યથાવત્ રહેશે તે મહત્વનું બની રહેશે.SSS