Western Times News

Gujarati News

ડિસેમ્બરમાં જીએસટીનું સૌથી વધુ ૧.૧૫ લાખ કરોડનું કલેક્શન

નવી દિલ્હી, ભારતમાં જ્યારથી ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કરવામાં આવ્યો ત્યારથી ડિસેમ્બરમાં સૌથી વધુ કલેક્શન થયું છે. ડિસેમ્બરમાં ૧.૧૫ લાખ કરોડ રૂપિયા જીએસટી કલેક્શન થયું છે. જે અત્યાર સુધીનું સૌથી વધારે છે. આ કલેક્શનથી ખ્યાલ આવે છે કે ગત વર્ષે લોકડાઉનના કારણે મંદ પડેલું અર્થતંત્ર હવે ફરીથી પાટા પર ચડી રહ્યું છે. વર્તમાન નાણાકિય વર્ષમાં સળંગ ત્રીજા મહિને જીએસટી કલેક્શન ૧ લાખ કરોડ રૂપિયાનો સાયકોલોજીકલ માર્ક પાર કરી ગયો છે.

નાણા મંત્રાલયે જણાવ્યું છે કે જીએસટીના કલેક્શનમાં વધારો લોકડાઉન બાદ અર્થતંત્રમાં આવેલી તેજી તથા જીએસટી ન ભરનારાઓ સામે શરૂ કરવામાં આવેલા અભિયાનનું પરિણામ છે. ડિસેમ્બર ૨૦૨૦મા જીએસટીનું કલેક્શન ૧,૧૫,૧૭૪ કરોડ રૂપિયા છે જે ડિસેમ્બર ૨૦૧૯મા થયેલા ૧.૦૩ લાખ કરોડ કરતા ૧૨ ટકા વધારે છે. નવેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં ૮૭ લાખ જીએસટીઆર-૩બી રિટર્ન્સ ફાઈલ થયા છે. છેલ્લા ૨૧ મહિનામાં આ સૌથી વધુ માસિક આવક છે. આ કોરોના રોગચાળા બાદ અર્થતંત્રમાં આવેલી તેજી તથા દેશભરમાં જીએસટી ન ભરનારા લોકો તથા તાજેતરમાં કેટલાક સિસ્ટેમેટિક ફેરફારના કારણે ખોટા બિલો વિરુદ્ધ ચલાવવામાં આવેલા અભિયાન દ્વારા શક્ય બન્યું છે.

જેના કારણે જીએસટીની આવકમાં વધારો થયો છે, તેમ નાણા મંત્રાલયે જણાવ્યું છે. ૧ જૂલાઈ ૨૦૧૭મા જીએસટી અમલી બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડિસેમ્બર ૨૦૨૦મા સૌથી વધુ કલેક્શન થયું છે. અગાઉ સૌથી વધુ કલેક્શન એપ્રિલ ૨૦૧૯મા થયું હતું. ત્યારે ૧,૧૩,૮૬૬ કરોડ રૂપિયા કલેક્શન થયું હતું. સીઆઈઆઈના ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીએ જણાવ્યું હતું કે જીએસટીની આવક દેખાડે છે કે ઈન્ડસ્ટ્રી ઝડપથી સામાન્ય થઈ રહી છે. નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦મા ૧૨માથી ૮ મહિનામાં જીએસટીની આવક ૧ લાખ કરોડથી વધારે રહી છે.

જાેકે, વર્તમાન નાણાકિય વર્ષમાં કોવિડ લોકડાઉન તથા અર્થતંત્રમાં આવેલી મંદીના કારણે જીએસટીની આવકને અસર પહોંચી હતી. એપ્રિલમાં જીએસટીની આવક ૩૨,૧૭૨ કરોડ, મેમાં ૬૨,૧૫૧ કરોડ, જૂનમાં ૯૦,૯૧૭ કરોડ, જૂલાઈમાં ૮૭,૪૨૨ કરોડ, ઓગસ્ટમાં ૮૬,૪૯૯ કરોડ, સપ્ટેમ્બરમાં ૯૫,૪૮૦ કરોડ, ઓક્ટોબરમાં ૧,૦૫,૧૫૫ કરોડ, નવેમ્બરમાં ૧,૦૪,૯૬૩ કરોડ તથા ડિસેમ્બરમાં ૧,૧૫,૧૭૪ કરોડ રૂપિયાની આવક થઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.