Western Times News

Gujarati News

એક કરોડથી વધુ ભારતીયો COVID-19 સામેની જંગ જીત્યા

નવી દિલ્હી, દેશમાં કોરોના સંક્રમણનો મ્હાત આપીને સાજા થનારા દર્દીઓની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ છે. જેની સામે અત્યાર સુધીમાં 1,50,336 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ ચિંતાની બાબત એ છે કે 24 કલાકમાં નોંધાતા સંક્રમણના કેસોમાં ફરી વધારો જોવા મળ્યો છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,346 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 222 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,03,95,278 થઈ ગઈ છે.

દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 16 હજાર 859 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 19,587 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,28,083 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,50,336 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 6 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 17,84,00,995 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 9,37,590 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.