મ્યુનિસિપલ બગીચા વિભાગે સતત બીજા વર્ષે દસ લાખ રોપા લગાવ્યા
(દેવેન્દ્ર શાહ દ્રારા) અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન એક લાખ રોપા લગાવવામાં આવે છે. તેમજ વિવિધ પ્રકારના રોપા નું નાગરિકો ને વિતરણ પણ કરવામાં આવે છે.
ચાલુ વર્ષે કોરોનાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા આયુર્વેદિક ઔષધની રોપાનો ઉછેર અને વિતરણ કરવામાં આવ્યા છે સાથે સાથે ગત વર્ષની જેમ આ વર્ષે પણ દસ લાખ રોપા લગાવી અનોખો વિક્રમ કર્યાે છે
તેમજ કોરોનાકાળ અને વિપરીત સંજાેગો વચ્ચે દસ લાખ રોપા લગાવવાનો લક્ષ્યાંક સિદ્ધ કર્યું છે.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ૨૦૧૯માં ખાનગી સંસ્થાઓની મદદથી ૧૧ લાખ રોપા લગાવવામાં આવ્યા હતા. જયારે ૨૦૨૦માં જુલાઈ માસના અંત સુધી ૩ લાખ ૦૮ હજાર રોપા લગાવવામાં આવ્યાં હતાં.
૨૦૨૦ના વર્ષમાં પણ ૧૦ લાખ રોપા લગાવવા આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ લોકડાઉનના કારણે મજૂરોની અછત સર્જાતાં આ લક્ષ્યાંક પૂર્ણ થાય તેવી ઓછી શક્યતા હતી.
તેમ છતાં બગીચા વિભાગનાં કર્મચારીઓની મહેનતનાં કારણે આ લક્ષ્યાંક પૂર્ણ થયો છે. મ્યુનિ.બગીચા વિભાગ દ્વારા લીમડો, વડ, પીપળો, ગરમાળો, ગુલમહોર જેવા મોટા વૃક્ષના રોપા લગાવવામાં આવ્યાં છે.
તેમજ વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને આયુર્વેદ રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદ ઉત્તમ ઉપાય છે. તેથી આ વર્ષે આયુર્વેદ ઔષધની રોપા લગાવવામાં આવ્યાં છે.
જેમાં આમળા, સરગવો, અર્જુન સાદળ, અરડુસીનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા હાલ તુલસીરથ ના માધ્યમથી તુલસી રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બગીચા વિભાગ દ્વારા વર્ષ દરમિયાન લગભગ પાંચ લાખ જેટલાં તુલસી રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.
જ્યારે એએમસી સેવા એપ દ્વારા ઘરે ઘરે જઈને એક લાખથી વધુ રોપા લગાવ્યાં છે. જેમાં કુવરપાંઠુ, અરડુસી, નગોળ વગેરેનો સમાવેશ થાય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની જુદી જુદી નર્સરીમાં ગિલોય, નગોડ, અરડૂસી અને અશ્વગંધા ના રોપાનો ઉછેર કરવામાં આવ્યો હતો. કોરોનાને લડત આપવા માટે ઇમ્યુનિટી વધુ હોવી જરૂરી છે. આ તમામ ઔષધિના ઉપયોગ થી કોરોના સામે નાગરિકોને રક્ષણ મળશે.
ગત વર્ષે ની જેમ ચાલુ વરસે ‘મિશન મીલીયન ટ્રીઝ પ્રોજેક્ટ ના કરવા અંગે બગીચા વિભાગના ડાયરેક્ટર જિગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, લોકડાઉન ના કારણે મિશન મિલિયન ટ્રીઝ માટે જરૂરી તૈયારીઓ થઈ શકી નહતી.
ખાસ કરી ને શ્રમિકો ની અછત ના કારણે જરૂરી ખાડા ખોદવા અને વૃક્ષ લગાવવાની કામગીરી મુશ્કેલ હતી. જેના કારણે આ ચોમાસામાં મિશન મિલિયન ટ્રીઝ અભિયાન રદ કરવાની ફરજ પડે તેમ હતું. તેમ છતા શક્ય તેટલા વધુ રોપા લગાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સમયે પણ બે લાખ વૃક્ષ લગાવવામાં આવ્યા હતા.
૨૦૨૦માં મ્યુનિ.કોર્પાેરેશનની તમામ મિલકતોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
જેમાં વાસણા બેરેજ પાસેનો પ્લોટ, ગોમતીપુર ટોપી મીલ પાસે પ્લોટ, વસ્ત્રાલ એએમસી પ્લોટ, સાયન્સ સિટી ગુલમહોર ગ્રીન પાર્ક પાસેનો પ્લોટ, થલતેજ વિસ્તારમાં ઈડબલ્યુએસ આવાસ યોજના પ્લોટ, જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નરોડા-નિકોલમાં મ્યુનિસિપલ પ્લોટ, ગોતા કલેકટર ઓફિસ, પોલીસ હાઉસિંગ પ્લોટ, રેલવેની ખુલ્લી જમીનો, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ તેમજ રોડ સાઈટ પર વૃક્ષારોપણ કરી ૧૦ લાખ રોપા લગાવવાનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવ્યો છે.
નોંધનીય બાબત એ છે કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષની જાળવણી માટે સ્વૈચ્છિક સંસ્થાઓએ જવાબદારી લીધી છે. ૨૦૧૯માં ૧૧ લાખ રોપા લગાવવામાં આવ્યાં હતા તે પૈકી ૭૦ ટકા રોપાનો ઉછેર થયો છે. જે અનોખી સિદ્ધિ છે. સામાન્ય રીતે ૩૦ ટકા જ રોપા બચતાં હોય છે.
ગત ચોમાસામાં મિશન મિલિયન ટ્રીઝ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૦ પ્લોટમાં જાપાનની મીયાસાંકી પધ્ધતિથી સાડા ત્રણ લાખ રોપા લગાવવામાં આવ્યા હતા.
જ્યારે ૭૦૦ કિલોમીટર રસ્તાની બંન્ને બાજુ ૪૦ હજાર કરતા પણ વધુ વૃક્ષ રોપવામાં આવ્યા હતા. શહેરને પ્રદુષણ મુક્ત કરવા માટે ૧ર૦ રિઝર્વ પ્લોટમાં ગીચ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.. જેના કારણે પ્રદુષણની માત્રામાં ઘટાડો થયો છે.
.ભૂતકાળમાં રોપા લગાવ્યા બાદ તેની માવજતની સમસ્યા રહેતી હતી. તેના કારણે માંડ ૩૦ ટકા રોપા જ બચતા હતા. ‘મિશન મિલીયન ટ્રીઝ અભિયાનમાં રોપા લગાવવાની સાથે સાથે તેનો યોગ્ય ઉછેર થાય એ દિશામાં પણ ધ્યાન આપ્યુ હતું.