Western Times News

Gujarati News

કોરોના માટે ૨૫ સ્થળે ટ્રાયલ રન થયાંઃ ૭ લાખ લોકો રસી લેવા તૈયાર

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના રસીકરણનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તથા ઉત્તરાયણ બાદ રસીકરણ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. જેના માટે મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ડ્રાય રન પણ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ પ્રવેશ ફેઝમાં હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને રસી આપવામાં આવશે. ત્યારબાદ ૫૦ વર્ષ કે તેથી વધુ વયના લોકો અને ગંભીર બિમારી ધરાવતાં દર્દીઓને વેકસીન આપવામાં આવશે. જેના માટે મ્યુનિ.કોર્પાેરેશને ૧૦ ડિસેમ્બરથી ડોર ટુ ડોર સરવે અને રજીસ્ટ્રેશન શરૂ કર્યા છે. જેવાં સાત લાખ કરતાં વધુ લોકોએ વેક્સીન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યા છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ૧૦ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવેલ વેક્સીન સરવેમાં ૭૧૫૦૮૩ લોકોએ નોંધણી કરાવી છે. મ્યુનિ.સરવેમાં ૫૦ કે તેથી વધુ ઉંમરના ૬ લાખ ૯૦ હજાર લોકો વેક્સીન લેવા તૈયાર થયા છે. જ્યારે કેન્સર, કીડની, હૃદયરોગ જેવી ગંભીર બીમારી ધરાવતાં ૫૦ કે તેથી ઓછી ઉંમરના ૨૪૬૬૭ નાગરીકોએ વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧,૨૮,૮૫૬ લોકોએ વેક્સીન માટે નોંધણી કરાવી છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા ૬૦૨૬૯ નાગરીકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. જ્યારે દ.ઝોનમાં ગંભીર બીમારી હોય તેવા ૫૦ વર્ષ કે તેથી ઓછી ઉંમરના ૭૧૦૪ દર્દીઓએ નોંધણી કરાવી છે. મ્યુનિ.કોર્પાેરેશનના ડોર ટુ ડોર સરવેના પ્રથમ દસ દિવસમાં એટલે કે ૨૦મી ડીસેમ્બર સુધી ૩ લાખ ૯૬ હજાર રજીસ્ટ્રેશન થયા હતા. ત્યારબાદ ૧૫ દિવસમાં વધુ ત્રણ લાખ નાગરીકોએ રસી માટે તૈયારી દર્શાવી છે. જ્યારે ૫૫ હજાર જેટલાં હેલ્થ વર્કરોની પણ નોંધણી થઈ છે. જેમાં ૩૪ હજાર સરકારી હેલ્થ વર્કર જ્યારે ૨૦ હજાર જેટલાં ખાનગી હેલ્થ વર્કરને પ્રથમ ફેઝમાં રસી આપવામાં આવશે. રસીકરણ માટે મ્યુનિ. અને ખાનગી શાળાઓ ઉપરાંત દસ જેટલી ખાનગી હોસ્પિટલોનો પણ ઉપયોગ કરવામાં આવશે.

મ્યુનિસિપલ આરોગ્ય અધિકારી ડો.ભાવિન સોલંકીના જણાવ્યા મુજબશહેરના અલગ અલગ ૨૫ સેન્ટર પર શુક્રવારે કોરોના વેક્સીનની ટ્રાયલ રન થઇ હતી. જેમાં ૧૨૦૦ થી વધારે કર્મચારીઓ જાેડાયા હતા.કોરોના વેક્સીન જ્યારે આપવામાં આવશે તેનું જાે કોઇ દર્દીને રીએક્શન આવે તો તેવી તમામ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે, માત્ર ૩ કિ.મી.ની ત્રિજ્યામાં આવેલી હોસ્પિટલ સાથે આ પ્રકારના દર્દીઓને સારવાર આપવા માટે મ્યુનિ. તંત્રએ એમઓયુ કરશે.

આગામી દિવસોમાં શહેરમાં નાગરીકોનું રસીકરણ અભિયાન ચાલુ થશે તે યોગ્ય રીતે થાય તે માટે અત્યારે રાજ્યના અન્ય તમામ સ્થળો સાથે અમદાવાદમાં પણ તેની ટ્રાયલ રન યોજવામાં આવી હતી. કોરોના વેક્સીન માટે આવનાર વ્યક્તિને પ્રથમ તો ટાઇમ સ્લોટ આપી દેવામાં આવશે. જેથી કામગીરી ઝડપી બને અને બિનજરૂરી ભીડ થાય નહી. જે બાદ પ્રથમ નાગરીકની નોંધણી થશે. જે બાદ એક રૂમમાં ૫ જેટલા નાગરીકોને વેઇટીંગમાં બેસવાની વ્યવસ્થા હશે.

વેઇટીંગમાંથી તબક્કાવાર રીતે નાગરીકને તેમના નંબર પ્રમાણે વેક્સીનેશન રૂમમાં જવા દેવામાં આવશે. જ્યાં હાજર વેક્સીનેશન સ્ટાફ દ્વારા નાગરીકને તેમને અન્ય કોઇ બીમારી છે કે કેમ? તેની પુછપરછ કરવામાં આવશે. જાે તેમની અન્ય મેડીકલ હિસ્ટ્રી નહી હોય તો તેમને વેક્સીન આપવામાં આવશે. વેક્સીનેશન રૂમમાં જ દર્દીને કોઇ રીએકશન આવે તો તેના માટે જરૂરી કેટલીક દવાઓ અને ઇંજેક્શન તૈયાર રાખવામાં આવશે. જાે કોઇ અન્ય તકલીફ ન જણાય તો વેક્સીનેશન બાદ બાજુના વેઇટીંગ રૂમમાં અડધા કલાક માટે નાગરીકને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. જાે અન્ય કોઇ તકલીફ ન થાય તો તેને રજા આપવામાં આવશે. જાે કોઇ તકલીફ થાય તો નજીકની હોસ્પિટલમાં તેને દાખલ કરી સારવાર આપવાની યોજના તૈયાર કરાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.