મહુધાનાં લેડી દબંગ TDOની બનાસકાંઠા બદલી કરી દેવાઈ
નડિયાદ: મહુધા તાલુકામાં ચાલતા વિકાસના કામોમાં ગેરરીતિઓ બહાર લાવી ચર્ચામાં આવનારા ટીડીઓ કાજલ આંબલિયાની બનાસકાંઠાના સૂઈગામ તાલુકાના વિકાસ અધિકારી તરીકે બદલી કરી દેવાતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. કાજલ આંબલિયા પોતાની કડક છાપને કારણે લેડી દબંગ તરીકે જાણીતાં બન્યાં હતાં.
જાેકે, તેમની કામકાજની શૈલી અંગે અનેકવાર મહુધા તાલુકામાં આવતા ગામોના સરપંચોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. મહુધા તાલુકાના આગેવાનો તેમજ સરપંચોએ કાજલ આંબલિયા સામે મોરચો માંડતા ઉચ્ચ સ્તર પર રજૂઆત કરી હતી, અને તેમની કામ કરવાની શૈલી પર પણ આક્ષેપો કરવામાં આવ્યાં હતાં, અને થોડા દિવસ પહેલા જ કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પણ અપાયું હતું.
આ રજૂઆતો મળ્યા બાદ તાજેતરમાં જ રાજ્યના વિકાસ કમિશનરે મહુધા તાલુકાની વિઝિટ કરી હતી. જે દરમિયાન પણ તેમની સમક્ષ કાજલ આંબલિયા વિરુદ્ધ ફરિયાદો કરાઈ હતી. તાલુકા વિકાસ અધિકારી પોતાની મનમાની કરીને પરેશાન કરતા હોવાની સરપંચો તેમજ તાલુકાના આગેવાનોની ફરિયાદની ઉચ્ચ સ્તરે નોંધ લેવાયા બાદ ગુરુવારે સાંજે ગાંધીનગરથી કરાયેલા બદલીના હુકમમાં કાજલ આંબલિયાને મહુધાથી બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
પોતાના કાર્યકાળ દરમિયાન કાજલ આંબલિયાએ મહુધા તાલુકામાં થયેલા ડેવલપમેન્ટ વર્કની તપાસ શરુ કરી હતી, અને તેમાં કેટલીક ગેરરીતિઓનો પણ પર્દાફાશ કર્યો હતો. જાેકે, આ લેડી દબંગ સામે તાલુકાના સરપંચોએ તેઓ વિકાસના કામોમાં રોડા નાખતા હોવાની તેમજ સરપંચો પ્રત્યે તેમની વર્તણૂંક યોગ્ય ના હોવાની ફરિયાદો શરુ કરવામાં આવી હતી. તેમની સામે વિકાસના કામોની ગ્રાંટ અટકાવવાના આક્ષેપ પણ થયા હતા.
કાજલ અંબાલિયા સામે થયેલા ગ્રાંટ અટકાવવા સહિતના આક્ષેપની તપાસના ૪૮ કલાકમાં જ તેમની ટ્રાન્સફર નડિયાદથી છેક બનાસકાંઠા કરી દેવાઈ છે. પોતાની ટ્રાન્સફર અંગે કાજલ અંબાલિયાએ તેમના ફેસબુક પેજ પર લખ્યું હતું કે, મહુધા તાલુકા વિકાસ અધિકારી તરીકે મેં શક્ય તમામ મહેનત કરી. મારા ભોગે પણ તાલુકાનો અને લોકોનો વિકાસ થતો હોય તો મને આ પણ મંજૂર છે.