જીસીએસ હોસ્પિટલના સ્ટાફે કપડાં-વસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી
જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના સ્ટાફ દ્વારા “જોય ઓફ ગિવિંગ” કાર્યક્રમ અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે કપડાં, રમકડાં, ચોકલેટ્સ, બાળકોને અભ્યાસમાં ઉપયોગી પુસ્તકોનું વિતરણ કરવામાં આવેલું હતું. ગયા વર્ષની જેમ આ વખતે પણ નાતાલ તહેવારના સમય દરમિયાન હોસ્પિટલમાં ત્રણ ડ્રોપ બોક્ષ મુકવામાં આવ્યા હતા.
જેથી સ્ટાફ પોતાના ઘરે રહેલ બિન ઉપયોગી વસ્તુઓ મૂકી શકે જે બીજાના ઉપયોગમાં આવી શકે. આ અભિયાનમાં હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફના સહયોગથી 1000થી વધુ આઈટમ જેવી કે કપડાં, ચંપલ-જૂતાં, રમકડાં, સ્ટેશનરી, સ્કૂલ બેગ, પુસ્તકો વગેરે એકત્ર કરવામાં આવ્યા હતા.
જીસીએસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા 9 જાન્યુઆરીના રોજ આ વસ્તુઓનું અસારવા રેલવે સ્ટેશનની આજુબાજુની વસ્તીઓમાં અંદાજે 75થી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ પરીવારોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કપડાંની 100થી વધુ જોડીનું વિતરણ બગોદરા માનવ સેવા આશ્રમમાં કરવામાં આવશે.